ઇસનપુરથી રૂ. ૧.૩૯ લાખના ૧૩.૯૨૦ મિલી ગ્રામના જથ્થો ઝડપાયો

અમદાવાદ,

શહેરનું યુવાધન ડ્રગ્સ સહિતના નશાની લતે ચઢી રહ્યું છે ત્યારે આ બદી રોકવા એસઓજીની ટીમે કમર ક્સી છે અને છેલ્લા ઘણા મહિનાઓથી એસઓજીની ટીમ ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કરી રહી છે. શહેરમાંથી ફરી એકવાર એસઓજીએ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઇસનપુરથી રૂ. ૧.૩૯ લાખના ૧૩.૯૨૦ મિલી ગ્રામના જથ્થા સહિત કુલ રૂ.૧.૪૬ લાખના મુદ્દામાલ સાથે એસઓજીએ એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગઇકાલે પણ ડ્રગ્સના જથ્થા સાથે એસઓજીની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે નવા વર્ષે ડ્રગ્સ લેનારને ઝડપી લેવા એસઓજીને એક અત્યાધુનિક મશીન પણ આપવામાં આવ્યું છે.

શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ સજ્જ બની છે. તેવામાં નવા વર્ષ પહેલાં ફરી એકવાર એસઓજીને વધુ એક સફળતા મળી છે. એસઓજી પીઆઇ એ.ડી.પરમાર અને તેમની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ઇસનપુર ચંડોળા તળાવના છાપરા ચોકીદાર બાવાની દરગાહ નજીક એક શખ્સ જાહેરમાં મેફેડ્રોનના જથ્થાનું વેચાણ કરી રહ્યો છે. જેથી બાતમીને આધારે એસઓજીએ સ્થળ પર જઇ તપાસ કરતા મહંમદ હુસેન ઉર્ફે ચીના જાન શેખ (ઉ.૪૬, રહે,ઇસનપુર)નામના આરોપી પાસેથી ૧૩.૯૨૦ મિલી ગ્રામ(કિંમત રૂ.૧.૩૯)લાખનો મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી મેફેડ્રોનના જથ્થો સહિત કુલ ૧.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.