ઈરાનની ખુલ્લી ધમકી છતાં નેતન્યાહુ લડી લેવાના મૂડમાં, છેલ્લાં 70 વર્ષમાં ઈઝરાયલ ક્યારેય હાર્યું નથી

ઈઝરાયલ ચારેય બાજુથી ઘેરાયું છે, પણ મચક આપતું નથી. હમાસ, હિઝબુલ્લાહ, હુતી જેવાં આતંકી સંગઠનો અને ઈરાન જેવા દેશના હુમલા પછી ઈઝરાયલ વધારે આક્રમક બન્યું છે. ઈઝરાયલ તેની આક્રમતાની આગથી વિશ્વને પણ દઝાડી શકે છે.ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી મજબૂત મનાય છે. મિડલ ઈસ્ટમાં યમન, સિરિયા, લેબનન, ઈરાન અને ગાઝાપટ્ટી સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઈઝરાયલ એકલા હાથે લડી રહ્યું છે. હા, તેને અમેરિકા જેવા તાકાતવર દેશનો સાથ છે. ઈઝરાયલની મુખ્ય લડાઈ ઈરાન સાથે છે, કારણ કે મિડલ ઈસ્ટમાં જેટલાં આતંકી સંગઠનો એક્ટિવ છે એ બધા ઈઝરાયલના વિરુદ્ધમાં છે અને આ તમામ આતંકી જૂથોને ઈરાને જ પાળીપોષીને મોટાં કર્યાં છે.

ઈરાન અને ઈઝરાયલ 31 વર્ષ ગાઢ મિત્રો રહ્યા 14 મે, 1948ના દિવસે ઈઝરાયલ પેલેસ્ટાઈનથી અલગ થઈને નવું યહૂદી રાજ્ય બન્યું. એ સમયે ઈરાન ઈઝરાયલને માન્યતા આપનારા પ્રથમ ઈસ્લામિક દેશોમાં સામેલ હતું. 1948માં આરબ દેશોએ ઈઝરાયલ સાથે યુદ્ધ શરૂ કર્યું. ઈરાને આ યુદ્ધમાં ભાગ લીધો નહોતો અને ઈઝરાયલની જીત બાદ તેણે ઈઝરાયલ સાથે સંબંધો પણ સ્થાપિત કર્યા હતા. ઈરાનમાં શાહ મોહમ્મદ રેઝા પહલવીના શાસન દરમિયાન બંને એકબીજાના સહયોગી રહ્યા. એ સમયે ઈરાન પશ્ચિમ એશિયામાં સૌથી મોટા યહૂદી સમુદાયનું મથક હતું. એક સમય હતો, જ્યારે બંને દેશો વચ્ચે આયાત-નિકાસ થતી હતી. શસ્ત્રો, ટેક્નોલોજી અને કૃષિ પેદાશોના બદલામાં ઈઝરાયલ ઈરાનમાંથી 40% તેલની આયાત કરતું હતું. બંને દેશો વચ્ચેના સંબંધો એટલા સારા હતા કે ઈરાનની જાસૂસી સંસ્થા ‘સાવાક’ ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા ‘મોસાદ’ પાસેથી ‘ટ્રેનિંગ લેતી હતી.

આ કારણોથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધો બગડ્યા 1960ના દાયકામાં ઈરાનના ધાર્મિક નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખામેની ઈરાનને મુસ્લિમ દેશ બનાવવાની માગ જોરશોરથી ઉઠાવી રહ્યા હતા. ઈરાનના શાહે 1964માં ખામેનીને દેશ છોડવાનો આદેશ આપ્યો. ખામેનીએ ઈરાકમાં રહીને ઈસ્લામિક ક્રાંતિની શરૂઆત કરી. ખામેની ઇઝરાયલને ‘છોટા શૈતાન’ અને અમેરિકાને ‘બડા શૈતાન’ માનતા હતા. સમયની સાથે ખામેનીને ઈરાની લોકોનું સમર્થન મળવાનું શરૂ થયું અને 1979માં શાહ પહલવીને સત્તા પરથી હટાવવામાં આવ્યા. તેમને દેશ છોડીને ભાગી જવું પડ્યું. આ સાથે ઈરાનમાં ઈસ્લામિક રાજ્યની સ્થાપના થઈ અને શરિયા કાયદો લાગુ કરવામાં આવ્યો. આ વાત ઈઝરાયલને ખૂંચી. ઈરાનમાં સત્તા પરિવર્તન સાથે ઈઝરાયલ સાથેના સંબંધો બગડવા લાગ્યા. ખામેની સરકારે યહૂદી દેશ ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. બંને દેશો વચ્ચેનો હવાઈ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો.

ઈઝરાયલને ઘેરવા ઈરાને મિડલ ઈસ્ટમાં ચારેય તરફ આતંકી જૂથનું નેટવર્ક પાથર્યું ઈરાને મિડલ ઇસ્ટમાં ઈઝરાયલ, અમેરિકા અને અન્ય સુન્ની પ્રભુત્વ ધરાવતા દેશો સામે લડવા માટે ‘એક્સિસ ઑફ રેઝિસ્ટન્સ’ નામના હથિયારધારી આતંકી જૂથનું નેટવર્ક તૈયાર કર્યું. એને તૈયાર કરવામાં ઈરાનની વિશેષ સેના રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની મહત્ત્વની ભૂમિકા છે. આમાં પેલેસ્ટાઇનમાં હમાસ, લેબનનમાં હિઝબુલ્લાહ, યમનમાં હુતી તથા ઇરાક અને સિરિયામાં વિવિધ શિયા સશસ્ત્ર આતંકી જૂથોનો સમાવેશ થાય છે.

સમગ્ર મિડલ ઇસ્ટ બે પ્રકારના દેશોમાં વહેંચાયેલું છે. પહેલું શિયા પ્રભુત્વ અને બીજું સુન્ની પ્રભુત્વ. મિડલ ઇસ્ટમાં ઇજિપ્ત, જોર્ડન અને સાઉદી અરેબિયાની વસતિમાં 90% સુન્ની હોવાનો અંદાજ છે. જ્યારે યમન, ઈઝરાયલ, લેબનન અને ગાઝામાં 20થી 40% વસતિ સુન્ની છે. ઈરાન, ઈરાક, યમન, લેબનનમાં શિયા મુસ્લિમોની બહુમતી છે. ઈરાનના નેતૃત્વમાં શિયા બહુમતી ધરાવતા દેશો અથવા શિયા મિલિશિયાઓએ ખુલ્લેઆમ ઈઝરાયલ સામે મોરચો ખોલ્યો છે. સિરિયામાં વસતા શિયા મુસ્લિમોને શિયા મિલિશિયા પણ કહે છે.