ઇરાને યુદ્ધપોત પરથી પહેલીવાર ફાયર કરી લાંબા અંતરના બેલેસ્ટિક મિસાઇલ

ઈરાને કહ્યું કે તેણે પહેલીવાર યુદ્ધ જહાજથી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ જણાવ્યું કે આ મિસાઈલો ઈરાનના બહુહેતુક ભારે યુદ્ધ જહાજ ’શહીદ મહદવી’થી લોન્ચ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલ આ સૈન્ય અભ્યાસ પશ્ર્ચિમી દેશોને ગુસ્સે કરશે, કારણ કે આ દેશો ઈરાનના મિસાઈલ પ્રોગ્રામ પર વારંવાર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નૌકાદળના યુદ્ધાભ્યાસ દરમિયાન ૧,૭૦૦ કિલોમીટર (૧,૦૫૦ માઇલ) દૂર સુધીના લક્ષ્યો પર પ્રહાર કરવામાં સક્ષમ બે બેલેસ્ટિક મિસાઇલો લોન્ચરથી છોડવામાં આવી હતી. સરકારી ટેલિવિઝનએ અહેવાલ આપ્યો છે કે આઇઆરજીસીએ પ્રથમ વખત ઓમાનના અખાતમાં બેલેસ્ટિક મિસાઇલો ફાયર કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર,આઇઆરજીસી ચીફ હુસૈન સલામીએ કહ્યું કે આઇઆરજીસી એરોસ્પેસ ફોર્સ અને આઇઆરજીસી નેવીના સંયુક્ત સમર્થનથી, યુદ્ધ જહાજ પરથી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ સફળતાપૂર્વક છોડવામાં આવી. સલામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નવી સિદ્ધિથી દેશની નૌકાદળની તાકાતમાં વધારો થયો છે. આપણા સમુદ્રમાં જતા જહાજો વિશ્ર્વમાં ગમે ત્યાં તૈનાત થઈ શકે છે.

ઈરાનના સરકારી ટેલિવિઝનએ જણાવ્યું હતું કે લાંબા અંતરની મિસાઈલો ઉપરાંત,આઇઆરજીસીએ તેલ અવીવની દક્ષિણમાં ઈઝરાયેલના પામાચિમ એરબેઝ પર જમીનથી જમીન પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ ઈરાને ઈમાદ અને કાદરા બેલેસ્ટિક મિસાઈલો છોડી હતા જેમાં વિસ્ફોટક હથિયારો વધારવામાં આવ્યા છે.

જાહેર કરવામાં આવેલ સત્તાવાર આંકડાઓ અનુસાર, ઇઝરાયલ-હમાસ યુદ્ધ તીવ્ર બન્યા બાદ ક્ષેત્રીય તણાવને જોતાં ઈરાને સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. જણાવી દઈએ કે, ૭ ઓક્ટોબરના રોજ હમાસે અચાનક જ ઈઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા, જેના કારણે લગભગ ૧,૨૦૦ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા હતા.

હમાસના હુમલા બાદ ઈઝરાયેલે હમાસને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે અને ગાઝામાં સતત સૈન્ય હુમલાઓ કરી રહ્યું છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ઈઝરાયેલના સૈન્ય હુમલામાં ઓછામાં ઓછા ૨૮,૩૪૦ લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા.