- પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આવા હુમલાના કારણે ગંભીર પરિણામો આવી શકે છે.
ઇસ્લામાબાદ, ઈરાને પાકિસ્તાનમાં આતંકી છાવણીઓ પર એર સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે મંગળવારે પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-અલ-અદલની છાવણીઓ પર હુમલો કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર ઈરાને હુમલાને અંજામ આપવા માટે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો છે.
ઈરાનના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનમાં બલુચી જૂથ જૈશ અલ-અદલના બે ઠેકાણાઓને મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યા હતા. આ જૂથ અગાઉ પણ પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર હુમલો કરી ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.
અગાઉ ડિસેમ્બર ૨૦૨૩માં ઈરાને પોલીસ સ્ટેશન પર ઉગ્રવાદી હુમલા માટે પાકિસ્તાનને ઠપકો આપ્યો હતો. ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના રાસ્કમાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૧ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ પછી ઈરાને પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે પાકિસ્તાનનું તેની સરહદો પર નિયંત્રણ નથી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓની નિંદા કરી અને કહ્યું કે બે માસૂમ બાળકોના મોત નિપજ્યા જ્યારે ત્રણ બાળકીઓ ઘાયલ થઈ છે. વધુમાં પાકિસ્તાને કહ્યું કે આ પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આવા હુમલાના કારણે ગંભીર પરિણામો આવી શકે છે.
ઈરાનના હુમલાએ મોટા પાયે તબાહી મચાવી છે. ઈરાનના હુમલાથી પાકિસ્તાન નારાજ છે અને તેણે ઈરાનને ધમકી આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે, એર સ્પેસ ઉલ્લંઘનની સખત નિંદા કરતા કહ્યું છે કે, એકપક્ષીય કાર્યવાહી સારા પાડોશીની નિશાની નથી. જૈશ અલ અદાલે એમ પણ કહ્યું છે કે આ હુમલો અનેક મિસાઈલો દ્વારા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે, ઈરાનના એક અધિકારીને સમન્સ પણ પાઠવ્યા છે.પાકિસ્તાનના રખેવાળ વડા પ્રધાન સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાનના વિદેશ પ્રધાન સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની પીએમને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે ઈરાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાનના હવાઈ હુમલાથી પાકિસ્તાનમાં મોટાપાયે વિનાશ થયો છે. બે મકાનો પણ ધરાશાયી થયા છે. ઈરાનના હુમલા બાદ તબાહીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અનેક રહેણાંક મકાનો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. આ વીડિયો જૈશ અલ અદાલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
ઈરાને જૈશ અલ-અદલ દ્વારા કરવામાં આવેલા હુમલાનો બદલો લીધો છે. ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે ઈરાનમાં મોટો હુમલો કર્યો હતો. હુમલામાં ઈરાનના ૧૧ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. જૈશ અલ-અદલના હુમલામાં ઈરાનને મોટું નુક્સાન થયું હતું. જૈશ અલ-અદલ ઈરાનની સરહદ પર સતત હુમલા કરી રહ્યું છે.તેના એક દિવસ પહેલા ઈરાને સીરિયા અને ઈરાકમાં પણ હુમલા કર્યા. હકીક્તમાં ઈરાન આ મહિને સુન્ની આતંકવાદી સમૂહ ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરાયેલા બેવડા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ ભડકેલુ છે જેમાં ૯૦થી વધુ લોકો માર્યા ગયા હતા.
આ એક સુન્ની આતંકવાદી સંગઠન છે, જેની રચના ૨૦૧૨માં થઈ હતી. જૈશ અલ-અદલ પાકિસ્તાન સરહદ પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપે છે. તે ઈરાનની અંદર સતત હુમલાઓ કરી રહ્યું છે. ઈરાની બોર્ડર પોલીસનું અનેક વખત અપહરણ કરવામાં આવ્યું છે.ઈરાનના આ પગલાથી બંને દેશો વચ્ચે સંબંધો ખરાબ થવાનો ડર પેદા થયો છે અને બંને દેશ લાંબા સમયથી રાજનયિક સંબંધો જાળવી રાખતા એકબીજા પર શંકાની નજરે જુએ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાન ઈરાન દ્વારા તેના એર સ્પેસમાં ’અકારણ ઉલ્લંઘન’ ની આકરી ટીકા કરે છે. જેના પગલે બે માસૂમ બાળકોના મોત થયા જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ. નિવેદનમાં આગળ કહેવાયું છે કે પાકિસ્તાનની સંપ્રભુતાનો આ ભંગ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામ આવી શકે છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં એ નથી જણાવ્યું કે હુમલો ક્યાં થયો. પરંતુ પાકિસ્તાનના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર હુમલાની જગ્યા બલુચિસ્તાન પ્રાંત જણાવવામાં આવી રહી છે. જ્યાં બંને દેશો લગભગ ૧૦૦૦ કિમી લાંબી સરહદ શેર કરે છે. આ ખુબ ઓછી વસ્તીવાળો વિસ્તાર છે.