નવીદિલ્હી, ઇઝરાયલી જહાજ પર બંધક બનાવવામાં આવેલા ૧૭ ભારતીયોમાંથી એક મહિલા સભ્ય સ્વદેશ પરત આવી છે. બાકીના ૧૬ બંધકોની મુક્તિ માટે ભારત સરકાર ઈરાન સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર, ક્રૂ મેમ્બર એવા ભારતીય બંધકોની મુક્તિને લઈને ઈરાનના વિદેશ મંત્રી સાથે સતત વાતચીત કરી રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએઈના દરિયાઈ વિસ્તારમાં ઈઝરાયેલના જહાજને અટકાવી દીધું હતું. ઈરાને અટકાવેલ આ જહાજ એક કન્ટેનર જહાજ હતું, જેમાં કુલ ૨૫ ક્રૂ મેમ્બર છે. જેમાંથી ૧૭ ક્રૂ મેમ્બર ભારતીય છે. ઈરાને તે તમામને બંધક બનાવી લીધા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આમ કરતી વખતે ઈરાને ઈઝરાયેલનું નામ લીધું હતું અને આ જહાજને યહૂદી શાસન સાથે જોડાયેલું ગણાવ્યું હતું. ભારતીય મહિલાની મુક્તિ પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે દેશમાં હોય કે વિદેશમાં, મોદીની ગેરંટી પૂરી થાય છે.
ઈરાને આ ઈઝરાયલી જહાજ યુએઈના દરિયાકાંઠેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને રોક્યું હતું. કહેવાય છે કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડનું એક જૂથ હેલિકોપ્ટર મારફતે જહાજ સુધી પહોંચ્યું હતું. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે જહાજનો મૂળ માલિક ઇટાલિયન સ્વિસ કંપની છે, પરંતુ કન્ટેનરમાં પોર્ટુગીઝ ધ્વજપણ છે.
ઈરાને જહાજને અટકાવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ ઈરાનના સંપર્કમાં હતા. જહાજ પર ભારતીય ટીમની હાજરીની માહિતી બાદથી વિદેશ મંત્રાલય રાજદ્વારી માયમથી ઈરાનનો સતત સંપર્ક કરી રહ્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકર પોતે પોતાના ઈરાની સમકક્ષ સાથે સતત વાત કરી રહ્યા છે. તેની અસર હવે દેખાઈ રહી છે. એ જહાજ પર બંધક બનાવવામાં આવેલી એક ભારતીય મહિલા સ્વદેશ પરત આવી છે, અન્ય ભારતીય બંધકોને પણ ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે.