તહેરાન, ઈરાનમાં મહિલાઓ લાંબા સમયથી હિજાબ પહેરવાની અનિવાર્યતા સામે લડત ચલાવી રહી છે. હિજાબ ન પહેરવાની તેમની માંગને પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ઈરાની મહિલાઓ રસ્તા પર ઉતરી હતી અને ભારે પ્રદર્શન કર્યું હતું. આ મહિલાઓને સરકારી વહીવટીતંત્ર તરફથી કડક કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો હતો. વિરોધ દરમિયાન લેવામાં આવેલી કડક કાર્યવાહીને કારણે મહસા નામની મહિલાનું કસ્ટડીમાં મોત પણ થયું હતું. આ દરમિયાન ઈરાનની સંસદે હિજાબ પર મોટો નિર્ણય લીધો છે અને હિજાબ માટે કડક કાયદો બનાવ્યો છે.
ઇરાનની સંસદે જાહેરમાં ફરજિયાત ઇસ્લામિક હેડસ્કાર્ફ (હિજાબ) પહેરવાનો ઇનકાર કરતી મહિલાઓ અને જેઓ તેમને ટેકો આપે છે તેમના માટે સજાની જોગવાઈના બિલને મંજૂરી આપી છે. હિજાબનો વિરોધ કરવા બદલ નૈતિક્તા પોલીસ દ્વારા અટકાયત કરાયેલી ૨૨ વર્ષીય મહસા અમીનીની પુણ્યતિથિના થોડા દિવસો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મહસાના કસ્ટોડિયલ ડેથને લઈને દેશમાં મહિનાઓ સુધી વિરોધ ચાલી રહ્યો હતો. પોલીસ પર મહસાને ટોર્ચર કરવાનો આરોપ હતો, ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
માહિતી અનુસાર, મહસાનું મૃત્યુ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ થયું હતું. ઈરાનની સંસદમાં પસાર થયેલા આ બિલમાં ફરજિયાત હિજાબ ન પહેરતી મહિલાઓને સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓના માલિકો માટે સજાની જોગવાઈ છે. જો અપરાધ સંગઠિત રીતે કરવામાં આવે છે, તો ઉલ્લંઘન કરનારાઓને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ઈરાનની ૨૯૦ સીટવાળી સંસદમાં ૧૫૨ ધારાસભ્યોએ આ બિલ પાસ કર્યું છે. તેને ‘ગાર્ડિઅન કાઉન્સિલ’ દ્વારા મંજૂરીની જરૂર પડશે, જે બંધારણીય ચોકીદાર તરીકે કામ કરે છે. આ ત્રણ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે અસરકારક રહેશે.