તહેરાન,
ઈરાન સરકારે હિજાબ અને સરકાર વિરોધી પ્રદર્શનોમાં ભાગ લેનાર ૨૨ હજાર આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યુડિશિયરી ચીફની ઓફિસ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- ભૂતકાળમાં ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ એ સ્પષ્ટ નથી કે આ લોકોને ક્યારે મુક્ત કરવામાં આવશે. જેનું કારણ એ છે કે સરકારી નિવેદનમાં માફી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, જ્યારે સરકારી ન્યૂઝ એજન્સીએ માફી અને મુક્તિની વાત કહી છે.જોકે, સરકારના આ નિર્ણયને વિરોધીઓએ જૂઠ્ઠાણું ફેલાવવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. એમનેસ્ટી ઈન્ટરનેશનલના ઈરાન ચેપ્ટરની દેખરેખ રાખનાર ગિસોઉ નિયાએ કહ્યું- કટ્ટરપંથી સરકાર જૂઠાણું ફેલાવીને દુનિયાને ધુત્કારવાનું કાવતરું કરી રહી છે. ૧૬ સપ્ટેમ્બરે હિજાબ વિરોધી પ્રદર્શન શરૂ થયા હતાં. એક આંકડા પ્રમાણે, તેમાં અત્યાર સુધી ૫૧૭ લોકો માર્યા ગયા છે. મોટાભાગની યુવતીઓ અને મહિલાઓ છે. સરકારે માત્ર ૧૧૭ લોકોના મૃત્યુ પામ્યા હોવાની વાત માની છે. મોટાભાગના લોકોની મોત પોલીસના ટોર્ચરના કારણે થઈ.
સરકારની તમામ કોશિશ હોવા છતાંય વિરોધ પ્રદર્શન ચાલુ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે દુનિયામાં વધી રહેલાં વિરોધ, ઇકોનોમિક ક્રાઇસિસ અને યુવતીઓને ઝેર આપવાના ખુલાસા પછી સરકાર ઉપર દબાણ વધ્યું છે. એટલે જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ઈરાનને સૌથી મોટા ધર્મગુરુ અયાતુલ્લાહ અલી ખામનેઈએ થોડાં દિવસો પહેલાં એક રેલીમાં કહ્યું હતું- બધા જ ધરપકડ કરાયેલાં લોકોને માફી આપીને મુક્ત કરવામાં આવશે. આ સિવાય તે લોકોને કડક સજા ફટકારવામાં આવશે, જેમને ઝેર આપવામાં આવ્યું.
એક આંકડા પ્રમાણે, સરકાર અને હિજાબ વિરોધી પ્રદર્શનમાં કુલ ૮૨ હજાર ૬૫૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી માત્ર ૨૨ હજારને જ રિહા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.માફી આપવાના નિવેદનને વિરોધી પક્ષ દગો જણાવી રહી છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલના ઈરાન ચેપ્ટરની દેખરેખ રાખનાર ગિસોઉ નિયાએ કહ્યું- અમને ખબર છે કે સરકાર શું કરવા જઈ રહી છે. કોઈપણ સરકાર કે હિજાબ વિરોધી પ્રદર્શનકારીઓને છોડવામાં આવશે નહીં. ઘણાં વર્ષોથી જેલમાં રહેલાં વૃદ્ધ કે બીમાર લોકોને જ મુક્ત કરવામાં આવશે અને આ કાર્ય દર વર્ષે રાષ્ટ્રીય દિવસે કરવામાં આવે છે. આમાં નવું શું છે?
ઈરાનમાં ૧૦૦થી વધારે સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેના ઉપર સ્કૂલ, કોલેજ અને યુનિવસટીમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીઓને ઝેર આપવાનો આરોપ છે. ઈરાનમાં ગયા વર્ષે ૧૬ સપ્ટેમ્બરે હિજાબ વિરોધી પ્રદર્શ શરૂ થયા હતાં. લગભગ પાંચ હજાર વિદ્યાર્થીઓ રહસ્યમયી રીતે બીમાર થઈ ગઈ હતી. ગ્લોબલ પ્રેશર પછી ઈરાન સરકારે મામલાની તપાસ કરી. જેમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓના પાણીમાં ઝેર મિક્સ કરી દેવામાં આવ્યું હતું. સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામનેઈના આદેશ પછી સરકારે કાર્યવાહી કરી. ખામનેઈએ કહ્યું હતું- જે પણ ગુનેગાર છે તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવે. તે પછી ઇબ્રાહિમ રઈસીની સરકાર ઉપર દબાણ વધી ગયું.