તેહરાન,ઈરાનમાં હિજાબના મુદ્દે સરકારે કડકાઈ વધારી છે. આ ફરજિયાત ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરતી મહિલાઓને પકડવા માટે ઈરાની સત્તાએ જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવી રહ્યા છે. જેના દ્વારા હિજાબ ન પહેરનાર મહિલાઓની ઓળખ કરીને સજા કરવામાં આવશે. જોકે કેવા પ્રકારની સજા આપવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
પોલીસે કહ્યું કે તેમની ઓળખ થયા બાદ નિયમનું ઉલ્લંઘન કરનારાઓને ચેતવણી આપવામાં આવશે. આ પગલાનો હેતુ હિજાબ કાયદાના વિરોધને રોકવાનો છે. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મહેસા અમીનીના મૃત્યુ બાદથી ઈરાનમાં હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મહિસાને પોલીસે ૧૩ સપ્ટેમ્બરે હિજાબ ન પહેરવા બદલ અટકાયતમાં લીધી હતી. ત્યારબાદ મહિલાઓએ ફરજિયાત ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડનું જોખમ લઈને સમગ્ર દેશમાં મોલ્સ, રેસ્ટોરન્ટ્સ, દુકાનો અને શેરીઓમાં વિરોધ કર્યો. જેમાં અત્યાર સુધીમાં ૫૧૭ લોકોના મોત થયા છે. સરકારે સ્વીકાર્યું છે કે માત્ર ૧૧૭ લોકો માર્યા ગયા હતા. મોરેલીટી પોલીસના ત્રાસથી મોટાભાગના લોકોના મોત થયા હતા.
થોડા દિવસો પહેલા ઈરાનમાં મહિલાઓના ડ્રેસ કોડને લઈને નવો કાયદો બનાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત જો તેઓ હિજાબ નહીં પહેરે તો તેને ૪૯ લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ વાતની પુષ્ટિ ઈરાનના સાંસદ હોસેની જલાલીએ કરી હતી.
ઈરાનમાં ૧૯૭૯માં હિજાબ ફરજિયાત હોવા છતાં, ૧૫ ઓગસ્ટે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા અને તેને ડ્રેસ કોડ તરીકે સખત રીતે લાગુ કરવા જણાવ્યું હતુ. ૧૯૭૯ પહેલા શાહ પહેલવીના શાસન હેઠળ મહિલાઓના વોની બાબતમાં ઈરાન તદ્દન સ્વતંત્ર હતું.