
ઈરાનમાં હિજાબ નહીં પહેરનાર 16 વર્ષની ટીન એજરની મોરલ પોલીસે કરેલી પિટાઈના કારણે આ યુવતી કોમામાં જતી રહી છે.
આરોપ છે કે, આ કિશોરી હિજાબ વગર મેટ્રોમાં મુસાફરી કરી રહી હતી અને ઈરાનમાં હિજાબ પહેરવાની ફરજ પાડતી મોરલ પોલીસે તેને જોઈ હતી. એ પછી તેને એટલો માર માર્યો હતો કે, માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હવે આ કિશોરી કોમામાં હોવાથી ઈરાનમાં ફરી હિજાબ વિરોધી દેખાવો ભડકે તેવી શક્યતા છે.

આ કિશોરીની ઓળખ અર્મિતા ગારાવંદ તરીકે થઈ છે.કુર્દીશ સંગઠન હેંગાવે આરોપ લગાવ્યો છે કે, ઈરાનની મોરલ પોલીસની મહિલા કર્મીઓએ તેને માર માર્યો હતો. અર્મિતા આમ તો તહેરાનની રહેવાસી છે પણ તે મૂળ તો પશ્ચિમી ઈરાનના કુર્દ બહુમતીવાળા વિસ્તારમાંથી આવે છે.
એક વર્ષ પહેલા પણ આ જ વિસ્તારની મૂળ રહેવાસી અને તહેરાનમાં રહેતી મહસા અમિની નામની મોરલ પોલીસે હિજાબ નહીં પહેરવા બદલ પિટાઈ કરી હતી અને આ યુવતીના મોત બાદ મહિનાઓ સુધી ઈરાનમાં હિજાબ વિરોધી દેખાવો થયા હતા.
જોકે અન્ય એક કિશોરી કોમામાં જતી રહી હોવાની ઘટના બાદ ઈરાન સરકારે તો મારપીટનો ઈનકાર કરીને કહ્યુ છે કે, આ ટીનએજર લો બ્લડપ્રેશરના કારણે બેહોશ થઈને મેટ્રોમાં પડી ગઈ હતી.
જોકે સોશિયલ મીડિયા પર આ કિશોરીને માર મારવામાં આવ્યો હોવાની વાત આગની જેમ પ્રસરી હોવાથી દેશમાં માહોલ તંગ બની રહ્યો છે.