ગાઝા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે વિશ્વના ટોચના ૧૦ અમીરોની નેટવર્થમાં લગભગ ૨૮ અબજ ડોલર એટલે કે રૂ. ૨૩,૩૯,૯૭,૮૨,૦૦,૦૦૦નો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે વિશ્વના ટોચના ૧૫ સૌથી ધનિક લોકોમાંથી માત્ર બેની જ સંપત્તિમાં વધારો થયો છે. આ યાદીમાં પ્રથમ નંબરે રહેલા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ ૨.૯૧ બિલિયન વધીને ૧૮ બિલિયન પર પહોંચી ગઈ છે. વિશ્વના ૧૫મા સૌથી ધનિક વ્યક્તિ સ્પેનના અમાનસિઓ ઓર્ટેગાની કુલ સંપત્તિમાં ૧.૦૮ બિલિયનનો ઉછાળો આવ્યો છે. સૌથી વધુ નુક્સાન એલોન મસ્કને થયું હતું. સોમવારે તેમની કુલ સંપત્તિમાં ઇં૬.૮૪ બિલિયનનો ઘટાડો થયો હતો.
અમીરોની યાદીમાં બીજા સ્થાને રહેલા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની નેટવર્થમાં ૩.૧૧ બિલિયનનો ઘટાડો થયો છે અને હવે તે ૨૦૫ બિલિયન છે. મસ્ક ૧૭૮ બિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગની નેટવર્થ ૪.૦૮ બિલિયન ઘટીને ૧૭૮ બિલિયન થઈ ગઈ છે. બિલ ગેટ્સની નેટવર્થમાં ૧.૬૫ બિલિયનનો ઘટાડો થયો હતો. તે ૧૫૦ અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં પાંચમા સ્થાને છે. સ્ટીવ બાલ્મરની નેટવર્થમાં ૨.૬૯ બિલિયન, લેરી પેજની ૨.૪૩ બિલિયન, વોરેન બફેની ૧૩૨ બિલિયન અને સેર્ગેઈ બ્રિનની નેટવર્થમાં ૨.૩૦ બિલિયનનો ઘટાડો થયો છે.
ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં સોમવારે ૮૦૬ મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. તે ૧૧૨ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્ર્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ૧૧મા નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થ ૧૫.૬ બિલિયન વધી છે.અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં ૨.૩૬ બિલિયનનો ઘટાડો થયો હતો. તેઓ ૯૯.૫ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ૧૪મા નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થ ૧૫.૨ બિલિયન વધી છે.