ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલ પર હમાસના હુમલાને જેહાદના માર્ગે ચાલનારાઓની જીત ગણાવી

ઇતેરાન, આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પરના હુમલાએ સમગ્ર વિશ્ર્વમાં હલચલ મચાવી દીધી છે. હમાસના હુમલાને લઈને એક તરફ પશ્ર્ચિમી દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તો બીજી તરફ પશ્ર્ચિમ એશિયાના ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં ઉભા છે. હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઈઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગાઝા પટ્ટી પર કરવામાં આવેલા હુમલામાં ૬૯૦ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલ પર હમાસના હુમલાને જેહાદના માર્ગે ચાલનારાઓની જીત ગણાવી છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલ પર હમાસના હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે તેને જેહાદ અને અલ્લાહના માર્ગ પર ચાલનારા લડાકુઓની જીત ગણાવી છે. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ યહૂદી શાસન સામે લડવાની લોકોની ક્ષમતા દર્શાવે છે. આપણે પેલેસ્ટિનિયન નાગરિકોને અભિનંદન આપવા જોઈએ.

દેશના દક્ષિણ ભાગમાં મોટાભાગની જગ્યાઓ પર ફરીથી કબજો જમાવી લેવાનો દાવો કરતા ઈઝરાયલી સેનાએ કહ્યું કે, ઈઝરાયલના વિસ્તારમાંથી લગભગ ૧,૫૦૦ હમાસ આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. સેનાએ કહ્યું કે તેણે અણધાર્યા હુમલા બાદ ચાલી રહેલા યુદ્ધના ચોથા દિવસે સરહદ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. સેનાના પ્રવક્તા રિચર્ડ હેચટે કહ્યું કે મોડી રાતથી હમાસનો એક પણ આતંકવાદી ઈઝરાયલમાં ઘૂસ્યો નથી, જોકે ઘૂસણખોરી હજુ પણ શક્ય બની શકે છે. છેલ્લા ચાર દિવસમાં, ઇઝરાયેલે ૯૦૦ સૈનિકો અને નાગરિકોના મૃત્યુની જાણ કરી છે અને પેલેસ્ટિનિયન અધિકારીઓએ ગાઝા અને પશ્ચિમ કાંઠે લગભગ ૭૦૦ લોકોના મોતની જાણ કરી છે.