ઇરાન અમેરિકાના દબાણમાં નહીં આવે :નવા રાષ્ટ્રપતિ મસૂદની ચેતવણી

ઇરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકાને ચેતવણી આપી છે કે, તેમનો દેશ અમેરિકાના દબાણને વશ નહીં થાય. તેમણે કહ્યું હતું કે, ઇરાન રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથે યોગ્ય સંતુલન જાળવવા કટિબદ્ધ છે. રાષ્ટ્રપતિ મસૂદે શુક્રવારે ’માય મેસેજ ટુ ધ વર્લ્ડ’માં ઇરાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની તાજેતરની ચૂંટણીની પ્રશંસા કરી હતી.

૬૯ વર્ષના હાર્ટ સર્જન અને કાનૂની નિષ્ણાત મસૂદે જણાવ્યું હતું કે, ’મેં ચૂંટણી પ્રચારમાં આપેલા વચનો પૂરા કરીશ.’ મસૂદે ૫ જુલાઇના રોજ યોજાયેલી ચૂંટણીમાં કટ્ટરવાદી નેતા સઇદ જલીલીને હાર આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઇરાનના પ્રભાવશાળી રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું મે મહિનામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. હવે મસૂદ તેમનું સ્થાન લેશે.

મસૂદે રાષ્ટ્રજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, ’મારી સરકાર પાડોશી દેશો સાથે સંબંધ મજબૂત બનાવવાને અગ્રિમતા આપશે. અમે લાંબા સમયથી ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં સ્થાયી યુદ્ધવિરામ માટે અરબ દેશોને તમામ રાજદ્વારી વિકલ્પોનો ઉપયોગ કરવા જણાવીશું.’ ઇરાને લાંબા સમયથી હમાસના આતંકવાદી જૂથને ટેકો આપ્યો છે. મસૂદે પણ બુધવારે હમાસના વડા ઇસ્માઇલ હાનિયેહને મોકલેલા સંદેશમાં ઇરાનનું સમર્થન જાહેર કર્યું હતું. તેમણે શુક્રવારે રશિયા અને ચીનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ’બંને દેશ પડકારજનક સમયમાં સતત અમારી પડખે રહ્યા છે.’ તેમણે રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિના પ્રયાસોમાં મદદ કરવાની ઇચ્છા દર્શાવી હતી.