ઇરાકના પશ્ચિમ વિસ્તારમાં, ઇરાકી-અમેરિકન દળોએ ઇસ્લામિક સ્ટેટ જૂથના શંકાસ્પદ આતંકવાદીઓને નિશાન બનાવીને એક પછી એક અનેક હવાઈ હુમલાઓ કર્યા. જેમાંથી ૧૫ લોકોના મોત થયા છે.
અમેરિકી સેના અનુસાર હુમલામાં ૭ અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા છે. ઈરાક-સીરિયામાં તેમની સ્વ-ઘોષિત ખિલાફતમાંથી આતંકવાદીઓને ખદેડી દીધા બાદ યુએસ સેના વર્ષોથી આઈએસ સાથે લડી રહી છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અન્ય હુમલા કરતા વધારે છે.
અમેરિકી સેનાના ’સેન્ટ્રલ કમાન્ડ’એ કહ્યું કે આતંકવાદીઓ ’બહુવિધ હથિયારો, ગ્રેનેડ અને વિસ્ફોટક આત્મઘાતી બેલ્ટથી સજ્જ’ હતા. ઈરાકી દળોએ જણાવ્યું હતું કે આ હુમલો દેશના અનબર રણમાં કરવામાં આવ્યો હતો.
કમાન્ડે જણાવ્યું હતું કે, ઓપરેશનનો યેય સમગ્ર પ્રદેશમાં અને તેનાથી આગળ ઇરાકી નાગરિકો, યુએસ નાગરિકો, સાથી અને ભાગીદારો સામે હુમલાની યોજના બનાવવા અને તેને ચલાવવાની ટોચના આતંકવાદીઓની ક્ષમતાને વિક્ષેપિત કરવાનો અથવા નબળો પાડવાનો હતો.
ઇરાકી સૈન્યએ જણાવ્યું હતું કે હવાઈ હુમલામાં આતંકવાદી સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. દરમિયાન અમેરિકી સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ ઓપરેશનમાં સાત અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ લશ્કરી જવાનોની હાલત હાલ સ્થિર છે. અધિકારીએ કહ્યું કે ઈરાકી સેનાએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં અમેરિકી સેનાની મદદ માંગી હતી. ભૂતકાળમાં પણ અમેરિકી સેના આઈએસના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવતી રહી છે.