આઇપીએલ મેચ જોવા માટે પૈસા ચૂકવવા નહી પડે, મેચ ફ્રીમાં જોઈ શકશો

મુંબઇ,

આઇપીએલ ૨૦૨૩ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્ર્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલમાં આ વખતે બેન સ્ટોક્સ, સેમ કરણ સહિત ઘણા મોટા ખેલાડીઓ જોવા મળશે અને ચાહકો પણ લીગમાં આ મોટા નામોની અજાયબી જોવા માટે આતુર છે, પરંતુ મોટાભાગના ચાહકો પણ આને લઈને ચિંતિત છે. તે આઇપીએલની તમામ મેચો કેવી રીતે જોઈ શકશે? પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે જાણીને દરેક ચાહકોની આઇપીએલને લઈને ઉત્સુક્તા વધુ વધી જશે.

આઇપીએલ ૨૦૨૩નું આયોજન એપ્રિલમાં થઈ શકે છે. ગયા મહિને જ કોચીમાં હરાજી યોજાઈ હતી, જેમાં ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થયો હતો. સેમ કરણ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. પંજાબ કિંગ્સે તેને ૧૮.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કેમેરોન ગ્રીન, બેન સ્ટોક્સ, નિકોલસ પૂરન, પેટ કમિન્સ પર પૈસાનો ભારે વરસાદ થયો. હવે ચાહકો આ મોંઘા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા આતુર છે, પરંતુ આ માટે તેમને કેટલો ખર્ચ કરવો પડશે તે હજુ પણ તેમના માટે માથાનો દુખાવો છે.

સારા સમાચાર એ છે કે, ચાહકોએ આઇપીએલ ૨૦૨૩ ની મેચ જોવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. ચાહકો લીગની તમામ મેચો મફતમાં જોઈ શકે છે. જીયો આઇપીએલ ૨૦૨૩ની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં કરશે. રિપોર્ટ્સ અનુસાર, જીયો ભોજપુરી, તમિલ અને બંગાળી સહિત ૧૧ ભાષાઓમા આઇપીએલનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે.