આઇપીએલ ૨૦૨૩માં રમી રહેલા ૩ ખેલાડીઓને ‘કાયદો’ તોડવા બદલ સજા મળી

મુંબઇ,આઇપીએલ ૨૦૨૩ ની ૨૨મી મેચમાં જે થયું તે જોયા પછી જ તે થવાનું નક્કી હતું. કોઈ ખેલાડી કાયદો તોડીને સજા કર્યા વિના કેવી રીતે રહી શકે? અને, તે જ થયું સૌથી પહેલા તમને જણાવી દઈએ કે અહીં આપણે ક્રિકેટના કાયદા અને તેને તોડવાના નિયમ વિશે વાત કરી રહ્યા છીએ. બે ટીમો એટલે કે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ત્રણ ખેલાડીઓને ક્રિકેટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજા કરવામાં આવી છે.

જે ત્રણ ખેલાડીઓને સજા ફટકારવામાં આવી છે તેમાં આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવ, કેકેઆરના કેપ્ટન નીતિશ રાણા અને મુંબઈ ઈન્ડિયન્સના બોલર રિતિક શોકીનનો સમાવેશ થાય છે. દરેક ખેલાડીને અલગ-અલગ સજા મળી છે અને મેચ રેફરીની સામે પોતાની ભૂલ સ્વીકાર્યા બાદ તેમને આ સજા આપવામાં આવી છે.

હવે જાણો એક પછી એક આ ત્રણેયની ભૂલ અને સજા વિશે. સૌથી પહેલા આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રહેલા સૂર્યકુમાર યાદવ ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થયો છે. અને તેના બદલામાં તેના પર ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદ આઇપીએલ ૨૦૨૩માં ચોથો કેપ્ટન છે જેને ધીમી ઓવર રેટના કારણે ૧૨ લાખનું નુક્સાન સહન કરવું પડ્યું છે. તેની પહેલા ફાફ ડુ પ્લેસિસ, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

કેકેઆરના કેપ્ટન નીતિશ રાણાને મેચ દરમિયાન મેદાન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ સજા કરવામાં આવી છે. મેચ રેફરીએ તેને આઇપીએલ કોડ ઓફ કંડક્ટની કલમ ૨.૨૧ હેઠળ લેવલ ૧ ના ગુના માટે દોષિત ઠેરવ્યો છે. તેની મેચ ફીમાં ૨૫ ટકાની સજા તરીકે કાપવામાં આવ્યો છે.

નીતિશ રાણા ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના બોલર રિતિક શોકીનને પણ નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તેની મેચ ફીમાં ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેને આઈપીએલની આચાર સંહિતાની કલમ ૨.૫ હેઠળ લેવલ ૧ માટે દોષી ઠેરવવામાં આવ્યો છે.

નીતીશ અને રિતિક બંને વચ્ચે મેદાન પર બોલાચાલી થઈ હતી, જે પછી ઘણો હોબાળો થયો હતો. આ ઘટના કેકેઆરની ઈનિંગ્સની ૯મી ઓવરમાં બની હતી, જ્યારે રિતિક શોકીને નીતિશ રાણાની વિકેટ લીધી ત્યારે તેને ઉશ્કેરવામાં આવ્યો હતો. જો કે, સારી વાત એ છે કે આ ઘટના છતાં આ ખેલાડીઓ પર મેચ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. તેઓને માત્ર તેમની પોતાની ભૂલો માટે દંડ ફટકારવામાં આવ્યો છે. મતલબ કે આ ત્રણેય આગામી મેચમાં પણ પોતાની ટીમ માટે ઉપલબ્ધ રહેશે.