
મુંબઇ, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં યુઝવેન્દ્ર ચહલે તેની આઈપીએલ કારકિર્દીની ૨૦૦ વિકેટ પૂરી કરી લીધી છે. એમઆઇ વિરૂધ આરઆર મેચની શરૂઆત પહેલા ચહલે ૧૫૨ મેચમાં ૧૯૯ વિકેટ લીધી હતી અને આ મેચમાં ૨૦૦ વિકેટ પૂરી કરવા માટે તેને માત્ર ૧ વિકેટ લેવાની હતી. ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મોહમ્મદ નબીને આઉટ કરીને પોતાની કારકિર્દીની ૨૦૦ વિકેટ પૂરી કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં આવું કરનાર ચહલ વિશ્ર્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.આઇપીએલમાં બીજા નંબરે સૌથી વધુ વિકેટ ઝડપનાર ડ્વેન બ્રાવો છે જેણે પોતાની કારકિર્દીમાં ૧૮૩ વિકેટ લીધી હતી.
યુઝવેન્દ્ર ચહલે વર્ષ ૨૦૧૩માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની પ્રથમ મેચ રમી હતી અને છેલ્લા ૧૨ વર્ષમાં તે ૩ ટીમો તરફથી રમ્યો છે. ચહલે ૨૦૧૩માં મુંબઈ ઈન્ડિયન્સ માટે માત્ર ૧ મેચ રમી હતી, જેમાં તે કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. તે પછી તે ૮ સીઝન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો.. યુઝવેન્દ્ર ચહલે આઇપીએલમાં આરસીબી માટે ૧૧૩ મેચ રમી હતી, જેમાં તેણે ૧૩૯ વિકેટ લીધી હતી. ૨૦૨૨ માં, લેગ સ્પિન જાદુગર ચહલે રાજસ્થાન રોયલ્સમાં પ્રવેશ કર્યો. ચહલે આરઆર માટે અત્યાર સુધી ૩૯ મેચ રમી છે, જેમાં તેના ફરતા બોલે ૬૧ વિકેટ લીધી છે.
યુઝવેન્દ્ર ચહલ આઇપીએલમાં પર્પલ કેપનો વિજેતા પણ રહી ચૂક્યો છે. તે ૨૦૨૨માં પ્રથમ વખત રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો અને તે જ સિઝનમાં તેણે ૨૭ વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. ચહલ એવો બોલર પણ છે જેણે ૫ અલગ-અલગ સિઝનમાં ૨૦થી વધુ વિકેટ લીધી છે. તેની કારકિર્દીની ૨૦૦મી વિકેટ લેવા સુધી, ચહલ આઇપીએલ ૨૦૨૪માં પર્પલ કેપ રેસમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. વર્તમાન સિઝનમાં તેણે અત્યાર સુધી ૧૩ વિકેટ ઝડપી છે.