
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહેલી મેગા ઓક્શનમાં 2 ભારતીય ક્રિકેટર IPL ઈતિહાસના સૌથી મોટા ખેલાડી બની ગયા છે. નંબર વન પર રિષભ પંત છે જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ક્રિકેટર છે. દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
બીજા નંબરે કેપ્ટન અને બેટર શ્રેયસ અય્યર છે, જેણે ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું. શ્રેયસને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો.
આશ્ચર્યજનક બોલી વેંકટેશ અય્યર પરની હતી, જેના માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રૂ. 23.50 કરોડ સુધીની બિડ લાગી હતી. કોલકાતાએ વેંકટેશને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેંકટેશને છેલ્લી IPL ફાઈનલમાં હૈદરાબાદ સામે ફિફ્ટી ફટકારી હતી.

IPLઓક્શનની હાઇલાઇટ્સ…
- ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનાર રાસિખ ડાર સલામ સિઝનનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. RCBએ તેને 6 કરોડમાં ખરીદ્યો હતો.
- મિચેલ સ્ટાર્કને દિલ્હીએ 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં તેને કોલકાતાએ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે કિંમત લગભગ અડધી થઈ ગઈ હતી.
- ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ઇંગ્લેન્ડનો ટૉપ ઓર્ડર બેટર જોની બેયરસ્ટો અનસોલ્ડ રહ્યા હતા.
ઓક્શન પછી શું થશે? IPLની આગામી સિઝન ક્યારે અને ક્યાં થશે?
204 ખેલાડીઓ વેચાયા પછી ઓક્શન સમાપ્ત થશે, તમામ ફ્રેન્ચાઇઝીઓ તેમની સંબંધિત ટીમને નવા ખેલાડીઓ સાથે તૈયાર કરશે. આગામી જાન્યુઆરી મહિનાથી જે ખેલાડીઓ નેશનલ ડ્યુટી પર નહીં આવે તેમની સાથે તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
2025 IPLમાં 10 ટીમ વચ્ચે કુલ 74 મેચ રમાશે. ટુર્નામેન્ટની 18મી સિઝન 14 માર્ચથી શરૂ થશે અને 25 મે સુધી ચાલશે. 2024 IPL 22 માર્ચથી 26 મે દરમિયાન રમાઈ હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ટાઈટલ જીત્યું હતું.