દુબઈ,
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મળેલી સફળતાની કિંમત કરોડો રૂપિયામાં ચૂકવવામાં આવે છે. આઈપીએલની તમામ ફ્રેન્ચાઇઝીઓના સુકાનીઓને પાંચ કરોડ કરતાં વધારેની રકમ સેલેરી પેકેજ તરીકે ચૂકવવામાં આવે છે. આટલી મોટી રકમ ચૂકવવાની સામે પ્રત્યેક ફ્રેન્ચાઇઝી માલિકો પોતાની ટીમ ચેમ્પિયન બને તેવી ઇચ્છા રાખતા હોય છે. ભારતના ત્રણ સુકાની રોહિત શર્મા, ધોની તથા કોહલી ૧૫ કે તેથી વધારે કરોડનું પ્રત્યેક સિઝનમાં પેકેજ મેળવે છે. નિષ્ફળ છતાં સ્ટારડમની કિંમત મળી વિરાટ કોહલી એક પણ વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેમ્પિયન બનાવી શક્યો નથી, પરંતુ તેની ઇન્ટરનેશનલ ખ્યાતિને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝી તેને ૧૭ કરોડનું પેકેજ આપે છે.
ધોનીને ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રૂ. ૧૫ કરોડની જંગી રકમ ચૂકવવામાં આવે છે. ધોનીના નેતૃત્વમાં સીએસકે ટીમ ત્રણ વખત ટાઇટલ જીતવામાં સફળ રહી છે. કોહલીએ ૨૦૧૩માં ડેનિયલ વેટ્ટોરીએ આઇપીએલને અલવિદા કર્યા બાદ કેપ્ટનશિપનો ભાર સંભાળ્યો હતો. યુવા કેપ્ટન બન્યા કરોડપતિ આઇપીએલમાં શ્રેયસ અય્યર સૌથી યુવા સુકાની છે. ૨૦૧૮માં ગંભીરને હટાવીને તેને દિલ્હી કેપિટલ્સનો સુકાની બનાવવામાં આવ્યો હતો. ૧૨મી સિઝનમાં એટલે કે સાત વર્ષના ગાળા બાદ દિલ્હીની ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. અય્યરને સાત કરોડ રૂપિયાની સેલેરી આપવામાં આવશે. ખેલાડી તરીકે કારકિર્દી શરૂ કરનાર લોકેશ રાહુલે ૧૪ મેચમાં ૫૩.૯૦ની સરેરાશથી ૫૯૩ રન બનાવ્યા હતા. ૨૦૧૯નો રેકોર્ડ જોઇને તેને સુકાની બનાવવામાં આવ્યો છે અને તેને હવે ફ્રેન્ચાઇઝી ૨૦૨૦ની સિઝન માટે ૧૧ કરોડ રૂપિયા ચૂકવશે.
રોહિત શર્મા આઈપીએલનો સૌથી વધારે સફળ સુકાની છે. તેણે મુંબઇને ચાર વખત ચેમ્પિયન બનાવી છે. રોહિતની કેપ્ટનશિપ હેઠળ મુંબઇની ટીમે ૧૧૧ મેચમાં ૬૫ વિજય હાંસલ કર્યા છે. ૨૦૨૦ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સના સુકાની સ્ટિવ સ્મિથને ૧૨ કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદના વિલિયમ્સનને ત્રણ કરોડ રૂ કોલકાતા નાઇટ રાઇડર્સના દિનેશ કાર્તિકને ૭.૪ કરોડનું પ્રત્યેક સિઝન માટે સેલેરી પેકેજ આપવામાં આવે છે.