કોરોના વાયરસને કારણે આ સિઝનની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આયોજન અનિશ્ચિત સમય માટે અટકી ગયું છે. સમગ્ર વિશ્વમાં લોકડાઉન ખૂલે અને પ્રવાસ પરના નિયંત્રણો દૂર થાય ત્યાર બાદ જ IPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી શકાય. ભારત઼ીય ક્રિકેટ બોર્ડે પણ આ માટે અલગ અલગ વિકલ્પોની વિચારણા કરી છે. યુનાઇડેટ આરબ અમિરાત અને શ્રીલંકાએ IPL યોજવાની ઓફર કરી હતી તેવામાં એમ સમાચાર પણ આવ્યા હતા કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ પણ IPL યોજવા માટે તૈયાર છે. જોકે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે કે તેમણે આવી કોઈ ઓફર કરી નથી અને આ માત્ર અટકળો જ છે.
IPL યોજવા માટે કોઈ રસ દાખવ્યો નથી
ICCએ દરેક દેશ માટે ભાવિ ટેસ્ટ કાર્યક્રમ નક્કી કરેલો છે અને આ એફટીપીને દરેક ક્રિકેટ બોર્ડને અનુસરવાનું હોય છે તે જ રીતે અમે પણ એફટીપીનો આદર કરીને જ ભવિષ્યમાં કોઈ કાર્યક્રમ ઘડીશું તેમ કહીને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રવક્તા રિચાર્ડ બ્રુકસે જણાવ્યું હતું કે અમે આઇપીએલ યોજવા માટે કોઈ રસ દાખવ્યો નથી.
લોકડાઉન લાગી જતાં ક્રિકેટ અટકી ગયું
IPLનું આયોજન માર્ચ મહિનામાં થનારું હતું પરંતુ કોરોના વાયરસની ગંભીર બીમારીને કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન લાગી જતાં ક્રિકેટ અટકી ગયું છે. બ્રુક્સે જણાવ્યું હતું કે આ ત્રણ અટકળબાજી છે. ન્યૂઝીલેન્ડને જો આઇપીએલના આયોજન માટે કહેવામાં પણ આવે તો પણ અમે તે માટે તૈયાર નથી. અમે આવી કોઈ ઓફર કરી નથી કે ના તો કોઈએ અમને આવો કોઈ પ્રસ્તાવ આપ્યો નથી.