iPhone-16 લેવા પડાપડી : સ્ટોરની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી

આઇફોન 16 સિરીઝના ફોન આજથી એટલે કે 20 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થવા લાગ્યા છે. ભારત, દિલ્હી અને મુંબઈમાં એપલના બંને સત્તાવાર સ્ટોર્સ સવારે 8 વાગ્યે ખૂલ્યા હતા. સામાન્ય રીતે તેઓ 11 વાગ્યે ખોલે છે. એપલનાં નવાં ઉપકરણો ખરીદવા માટે બંને સ્ટોરની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

મુંબઈના BKC સ્ટોર પર અક્ષય નામના ગ્રાહકે જણાવ્યું હતું કે તે સવારે 6 વાગ્યે આવ્યો હતો. તેણે iPhone 16 Pro Max ખરીદ્યો છે. કંપનીએ સોમવાર (9 સપ્ટેમ્બર)ના રોજ વર્ષની તેની સૌથી મોટી ઇવેન્ટ ‘ ઈટ્સ ગ્લોટાઇમ’માં AI ફીચર્સ સાથે આઇફોન 16 સિરીઝ લૉન્ચ કરી હતી, જેમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનો સમાવેશ થાય છે. એપલે 13 સપ્ટેમ્બરથી તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો સત્તાવાર વેબસાઇટ અને ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ફોન બુક કરી શકે છે.

iPhone-16 Pro Max ભારતમાં US કરતાં ₹44,000 મોંઘા છે

જોકે અન્ય દેશોની સરખામણીએ ભારતીય ગ્રાહકોને હજુ પણ iPhone ખરીદવો મોંઘો લાગે છે. જ્યારે iPhone-16 સિરીઝનાં મોડલ પણ ભારતમાં એસેમ્બલ કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં પ્રો મેક્સ મોડલ અમેરિકા કરતાં લગભગ 44 હજાર રૂપિયા મોંઘું છે.

એ જ સમયે iPhone-16 મોડલમાં લગભગ 13 હજાર રૂપિયાનો તફાવત છે. ભારતમાં iPhone 16ની શરૂઆતની કિંમત ₹79,900 છે અને Pro Maxની કિંમત ₹1,44,900 છે. જ્યારે અમેરિકામાં સમાન iPhone-16 મોડલ $799 એટલે કે ₹67,100 અને Pro Max $1199 એટલે કે ₹1,00,692માં ઉપલબ્ધ છે.

તમે આ રીતે સસ્તામાં આઇફોન 16 ખરીદી શકો છો

  • ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યૂટીના અભાવને કારણે ભારત સહિત અન્ય દેશોની સરખામણીમાં યુએસ અને કેનેડામાં આઇફોન હંમેશાં સસ્તા રહ્યા છે. જો તમારો કોઈ મિત્ર અથવા પરિવારનો સભ્ય અમેરિકા અથવા કેનેડામાં રહે છે તો તમે તેને ત્યાંથી તમારા માટે આઇફોન ખરીદવા અને તેની આગામી મુલાકાત વખતે તેને ભારત લાવવા માટે કહી શકો છો.
  • એ જ રીતે દુબઈથી આઇફોન-15 ખરીદવો સસ્તો પડશે. ડ્યૂટી ફ્રી પોર્ટ હોવાને કારણે દુબઈમાં ઈલેક્ટ્રોનિક સામાન સસ્તામાં ઉપલબ્ધ છે. આ સિવાય તમે સિઝનલ ડિસ્કાઉન્ટની રાહ જોઈને પૈસા બચાવી શકો છો. અમેરિકામાં બ્લેક ફ્રાઈડે અને દુબઈ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન iPhone-16 સહિત ઘણી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
  • ઘણી બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ આઇફોન પર ડિસ્કાઉન્ટ આપે છે. તમે તેમની ઑફર્સ ચકાસી શકો છો. વધુમાં, એવી ઘણી ક્રેડિટ કાર્ડ કંપનીઓ છે, જે કેશ-બેક પ્રોત્સાહનો, પ્રમોશનલ ક્રેડિટ્સ અથવા પોઈન્ટ્સ પ્રદાન કરે છે, જેનો ઉપયોગ ભવિષ્યની ખરીદી માટે થઈ શકે છે. આ પણ તપાસો.
  • નવી આઇફોન સિરીઝ રિલીઝ થયા પછી તરત જ ખરીદવા માટે ઉતાવળ કરવાનું ટાળો, કારણ કે નવા મોડલની કિંમત એની શરૂઆતના રિલીઝના થોડા મહિના પછી ઘટી જાય છે. જો તમે થોડી રાહ જોઈ શકો, તો તમે તમારી ખરીદી પર યોગ્ય રકમ બચાવી શકો છો.

iPhone-16 સહિત તમામ ગેજેટ્સ આજથી ઉપલબ્ધ થશે

iPhone-16 સિરીઝ સિવાય કંપનીએ તેની ગ્લોટાઇમ ઇવેન્ટમાં Apple Watch Series 10 પણ રજૂ કરી, જેમાં 30% મોટો સ્ક્રીન વિસ્તાર છે. આ એપલની અત્યારસુધીની સૌથી પાતળી ઘડિયાળ છે (9.7mm). તેની શરૂઆતી કિંમત 46,900 રૂપિયા છે.આ સિવાય વોચ અલ્ટ્રા 2ના નવા કલર્સ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. એ એથ્લીટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ઘડિયાળ લો પાવર મોડમાં 72 કલાક ચાલશે. એમાં સૌથી સચોટ જીપીએસ ઉપલબ્ધ છે. Appleએ AirPods 4 અને AirPods Max ના નવા રંગો લોન્ચ કર્યા છે. એપલનાં તમામ નવાં ગેજેટ્સ આજથી વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયાં છે.

ભારતમાં મેડ ઇન હોવા છતાં અહીં કેમ મોંઘા વેચાય છે આઇફોન? Apple ફોન ભારતમાં iPhone 15ના સમયથી એસેમ્બલ થઈ રહ્યા છે. તાઈવાનના ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપે એસેમ્બ્લિંગ માટે ચેન્નઈ નજીક શ્રીપેરુમ્બુદુરમાં પ્લાન્ટ સ્થાપ્યો છે. એના વિવિધ ભાગો આયાત કરવામાં આવે છે, જેના પર કસ્ટમ ડ્યૂટી લાદવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, iPhone ડિસ્પ્લે સેમસંગ દ્વારા બનાવવામાં આવે છે, જેના પર 20% ઇમ્પોર્ટ ડ્યૂટી લાદવામાં આવે છે. આ સિવાય સર્કિટ બોર્ડ, ટ્રાન્ઝિસ્ટર, પ્રોસેસર પર આયાત ડ્યૂટી અને GST લાગુ છે. આ બધાને એકસાથે મૂકીને, અંતિમ ઉત્પાદનની કિંમત વધુ બને છે.

જ્યારે પ્રો સિરીઝ ભારતમાં એસેમ્બલ નથી. આ સંપૂર્ણ રીતે આયાત કરવામાં આવે છે. સરકાર આના પર 22% આયાત જકાત અને 2% સામાજિક કલ્યાણ સરચાર્જ લાદે છે. 18% GST પણ લાગુ છે. આ કારણે કુલ ટેક્સ લગભગ 40% થઈ જાય છે.