IPOની તૈયારી કરી રહેલા ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ નાણાંકીય વર્ષ 2021-22ના ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન મહિનામાં શેરબજારમાંથી 10,000 કરોડ રૂપિયાનો જબરદસ્ત નફો કર્યો છે.ચાલું નાણાંકીય વર્ષના અંત સુધીમાં LIC ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે.
જાહેરક્ષેત્રમી વીમા કંપની LIC ભારતીય શેરબજારની સૌથી મોટી સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર છે. નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન LICએ શેરબજારમાંથી 94000 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા. એ રીતે 31 માર્ચ 2021 સુધીમાં LICનું ભારતીય શેરબજારમાં રોકાણ 8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.બિઝનેસ અખબાર મિન્ટના અહેવાલ મુજબ ચાલું નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં LICએ રૂપિયા 20000 કરોડ રૂપિયાના શેરો વેચી નાંખ્યા હતા. આ ખરીદ વેચાણમાં LICને રૂપિયા 10000 કરોડનો નફો થયો છે.LIC સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે પ્રવાહથી વિપરીત ચાલવાને કારણે LIC પાસે નફો કમાવાવી તક હોય છે. LICએ એવા શેરોને વર્ષો પહેલાં ખરીદ્યા હતા, જયારે બજારમાં કોઇ અન્ય વીમા કંપનીની હાજરી નહોતી. LICએ શેરબજારમાંથી જે 10000 કરોડ રૂપિયાની કમાણી કરી તે જૂનના ત્રિમાસિક ગાળાનો સૌથી વધારે નફો છે.
LIC પોતે શેરબજારમાં લિસ્ટીંગ કરવાની તૈયારી કરી છે, એના માટે ચાલું નાણાંકીય વર્ષના અંત સુધીમાં LIC IPO લઇને આવી રહી છે. હવે સરકારને એવું લાગી રહ્યું છે કે આ રીતે રેકર્ડ પ્રોફીટ કરવાને કારણે વધારેમાં વધારે રોકાણકારો LICમાં રોકાણ કરવા આકર્ષાશે.એક વર્ષ પહેલાની સરખામણી કરીએ તો વર્ષ 2020ના એપ્રિલથી જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં LICએ શેરબજારમાંથી 7,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ 2020ના એપ્રિલથી ઓકટોબરના 6 મહિનાના સમયગાળામાં LICએ શેરબજારમાંથી 15,000 કરોડની કમાણી કરી હતી.જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં LICએ હાઉસીંગ ફાયનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (HDFC)ના 3,149 કરોડ રૂપિયાના શેરો વેચી નાંખ્યા હતા. આસમયગાળામાં LICએ હીરો મોટોકોર્પ, બાયોકોમ જેવી કંપનીઓના શેરો પણ વેચી નાંખ્યા હતા.
જાણવા મળેલી માહિતી મુજબ LICએ નાણાંકીય વર્ષ 2021-21માં 5 લાખ કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી હતી. જેનો 50 ટકા હિસ્સો સરકારી સિકયોરિટીઝમાં, 35 ટકા હિસ્સો ઇક્વિટી શેરોમાં, મ્યૂ, ફંડ, કોર્મશિયલ પેપર અને નોન કન્વર્ટિબલ ડિબેંચર અને 15 ટકા હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રકટર સંબધી સાધનોમાં રોકવામાં આવ્યો હતો.