- આઈસીસી દ્વારા જાહેર કરાયેલા વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમમાં ભારતના ત્રણ પુરૂષ અને ચાર મહિલા ક્રિકેટરોને જગ્યા મળી છે.
દુબઈ,
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે સોમવારે મહિલા અને પુરૂષ ટીમ ઓફ ધ યર ૨૦૨૨ની જાહેરાત કરી છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલા વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમમાં ભારતના ત્રણ પુરૂષ અને ચાર મહિલા ક્રિકેટરોને જગ્યા મળી છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલી પુરૂષોની ટી૨૦ ટીમમાં ભારતના વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે. જ્યારે મહિલા ટીમમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, ૠચા ઘોષ અને રેણુકા સિંહને સ્થાન મળ્યું છે.
આઈસીસી દ્વારા આજથી આઈસીસી એવોર્ડ્સ ૨૦૨૨ની જાહેરાત કરવામાં આવી છે. આજે મહિલા અને પુરૂષોની સર્વશ્રેષ્ઠ ટીમ જાહેર કરવામાં આવી છે. પુરૂષ ટીમમાં ઈંગ્લેન્ડના જોસ બટલરને કેપ્ટન અને વિકેટકીપર બનાવવામાં આવ્યો છે. તો બીજા ઓપનર તરીકે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને સ્થાન મળ્યું છે. ત્રીજા ક્રમે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, ચોથા સ્થાને સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. પાંચમાં સ્થાને ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાનું નામ છે. આઈસીસીની ટીમમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે હાદક પંડ્યા અને ઈંગ્લેન્ડનો સેમ કરન છે. સ્પિનર તરીકે વનિંદુ હસરંગા છે. ફાસ્ટ બોલર તરીકે પાકિસ્તાનનો હારિસ રોઉફ અને આયર્લેન્ડનો જોશુઆ લિટિલ છે.
આઈસીસીની ૨૦૨૨ની સર્વશ્રેષ્ઠ ટી૨૦ ટીમમાં સૌથી વધુ ત્રણ ભારતીયો સામેલ છે. જેમાં વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાદક પંડ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડના બે ખેલાડીનો સમાવેશ થયો છે. ઈંગ્લેન્ડના જોસ બટલર અને સેમ કરનને આઈસીસી ટી૨૦ ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાંથી ગ્લેન ફિલિપ્સ, પાકિસ્તાનના બે ખેલાડી હારિસ રઉફ અને મોહમ્મદ રિઝવાન, શ્રીલંકાના વનિંદુ હસરંગા, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને આયર્લેન્ડના જોશુઆ લિટિલને તક મળી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકાનો કોઈપમ ખેલાડી આઈસીસીની સર્વશ્રેષ્ઠ ટીમમાં સ્થાન બનાવી શક્યો નથી.
આઈસીસીની સર્વશ્રેષ્ઠ પુરૂષ ટીમ
જોસ બટલર (ઈંગ્લેન્ડ, કેપ્ટન અને વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન), વિરાટ કોહલી (ભારત), સૂર્યકુમાર યાદવ (ભારત), ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલેન્ડ), સિકંદર રઝા (ઝિમ્બાબ્વે), હાર્દિક પંડ્યા (ભારત), સેમ કરન (ઈંગ્લેન્ડ), વનિંદુ હસરંગા (શ્રીલંકા), હારિસ રઉફ (પાકિસ્તાન), જોશુઆ લિટિલ (આયર્લેન્ડ).
આઈસીસીની સર્વશ્રેષ્ઠ મહિલા ટીમ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી સર્વશ્રેષ્ઠ મહિલા ટી૨૦ ટીમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો છે. ભારતના ચાર ખેલાડીને આ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારત સિવાય ઓસ્ટ્રેલિયાના ત્રણ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ તથા શ્રીલંકાના એક-એક ખેલાડીને જગ્યા મળી છે. આ ટીમની વાત કરીએ તો તેમાં ચાર ભારતીય ખેલાડીઓમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, ૠચા ઘોષ અને રેણુકા સિંહ છે.
સ્મૃતિ મંધાના (ભારત), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ), એશ ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા) તાહિલા મેક્ગ્રા (ઓસ્ટ્રેલિયા), નિદા ડાર (પાકિસ્તાન), દીપ્તિ શર્મા (ભારત), ૠચા ઘોષ (ભારત), સોફી એકલસ્ટોન (ઈંગ્લેન્ડ), ઇનોકા રાણાવીરા (શ્રીલંકા), રેણુકા સિંહ (ભારત).