ભારતમાં નિર્મિત પ્રથમ એરક્રાફ્ટ કેરિયર આજે સોંપાશે

  • વિક્રાંતના નેવીમાં સમાવેશ સાથે ભારતે વિમાનવાહક યુદ્ધજહાજોનું નિર્માણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી
  • જહાજના નિર્માણમાં 50 ભારતીય ઉત્પાદકો સામેલ
  • કોચિન શિપયાર્ડમાં બનેલા આઇએનએસ વિક્રાંતની લંબાઇ 262 મીટર છે

ભારતીય નેવીને આજે એટલે કે બે સપ્ટેમ્બરના રોજ પોતાનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત મળી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં આ વિમાનવાહક યુદ્ધ જહાજને સેવા માટે નેવીને સોંપશે. વિક્રાંત ભારતમાં નિર્મિત યુદ્ધજહાજ છે. નેવીમાં આ કેરિયર સામેલ થવાની સાથે જ ભારત તે પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઇ જશે, જેની પાસે પોતાનું વિમાનવાહક યુદ્ધજહાજ બનાવવાની ક્ષમતા છે.

ભારતનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર કેટલું શક્તિશાળી છે? ભારત પાસે હજુ સુધીમાં કેટલા એરક્રાફ્ટ કેરિયર છે? એક સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ હોવાથી ભારતની નેવલ ક્ષમતામાં કેટલો ફરક આવશે? આ નવા યુદ્ધજહાજનું નામ આખરે દેશના પહેલા એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતના નામે જ કેમ રખાયું? તે જાણવું રસપ્રદ રહેશે.

INS વિક્રાંત કઈ રીતે બન્યું?

સૌ પ્રથમ ધ્યાન આપવાલાયક વાત એ છે કે ભારતમાં બનેલા આઇએનએસ વિક્રાંતમાં ઉપયોગમાં લેવામાં આવેલી તમામ વસ્તુઓ સ્વદેશી નથી. એટલે કે કેટલાક સ્પેરપાટ્ર્સ વિદેશોથી પણ મંગાવવામાં આવ્યા છે. જોકે, નેવીના અનુસાર સમગ્ર પ્રોજેક્ટનો 76 ટકા હિસ્સો દેશમાં ઉપલબ્ધ સંસાધનોથી જ નિર્મિત છે. વિક્રાંતના નિર્માણ માટે જરૂરી યુદ્ધજહાજ સ્તરનું સ્ટીલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સેઇલ) દ્વારા તૈયાર કરાવાયું હતું. આ સ્ટીલને તૈયાર કરવામાં ભારતીય નેવી અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (ડીઆરડીએલ)ની પણ મદદ લેવાઇ છે. કહેવાય છે કે સેઇલ પાસે હવે યુદ્ધજહાજ સ્તરનું સ્ટીલ બનાવવાની જે ક્ષમતા છે, તે આગળ પણ દેશને ખૂબ મદદ કરશે. ભારતીય નેવીના અનુસાર આ યુદ્ધજહાજની જે વસ્તુઓ સ્વદેશી નિર્મિત છે, તેમાં 23 હજાર ટન સ્ટીલ, 2500 કિલોમીટર ઇલેક્ટ્રિક કેબલ, 150 કિમી જેટલા પાઇપ અને 2000 વાલ્વ સામેલ છે. તે સિવાય એરક્રાફ્ટ કેરિયરમાં સામેલ હલ બોટ્સ, એર કંડિશનિંગથી માંડીને રેફ્રિજરેશન પ્લાન્ટ્સ અને સ્ટિયરિંગ સાથે જોડાયેલા સ્પેરપાટ્ર્સ પણ દેશમાં જ નિર્મિત છે. સત્તાવાર જાણકારી અનુસાર, ભારતમાં ઘણા મોટા ઔદ્યોગિક નિર્માતા આ એરક્રાફ્ટ કેરિયરના નિર્માણ સાથે જોડાયેલા રહ્યા છે. તેમાં ભારત ઇલેક્ટ્રિક્લ લિમિટેડ (બીઇએલ), ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (બીએચઇએલ), કિર્લોસ્કર, એલ એન્ડ ટી, કેલ્ટ્રોન, જીઆરએસઇ, વાર્ટસિલા ઇન્ડિયા અને અન્ય કંપનીઓ સામેલ હતી. તે સિવાય 100 કરતા વધારે મધ્યમ અને લઘુ ઉદ્યોગોએ પણ આ યુદ્ધજહાજ પર લાગેલા સ્વદેશી ઉપકરણો અને મશીનરીના નિર્માણમાં મદદ કરી છે.

જહાજના નિર્માણમાં 50 ભારતીય ઉત્પાદકો સામેલ

ભારતીય નેવીના અનુસાર આ યુદ્ધજહાજના નિર્માણમાં 50 ભારતીય ઉત્પાદકો સામેલ રહ્યા હતા. તેના નિર્માણ દરમિયાન દર રોજ બે હજાર ભારતીયોને સીધી રીતે રોજગાર મળ્યો હતો, જ્યારે 40 હજાર અન્ય લોકોને પરોક્ષ રીતે આ પ્રોજેક્ટ સાથે કામ કરવાની તક મળી હતી. નેવીએ કહ્યું હતું કે આ યુદ્ધજહાજના નિર્માણમાં થયેલા કુલ 23 હજાર કરોડ રૂપિયા પૈકી 80 થી 85 ટકા રકમ ભારતીય અર્થવ્યવસ્થામાં જ ગઇ છે.

શું છે વિક્રાંતની ખાસિયતો

કોચિન શિપયાર્ડમાં બનેલા આઇએનએસ વિક્રાંતની લંબાઇ 262 મીટર છે. જ્યારે તેની પહોળાઇ લગભગ 62 મીટર છે. તે 59 મીટર ઊંચું છે અને તેનું બીમ 62 મીટરનું છે. યુદ્ધજહાજમાં 14 ડેક છે અને 1700 કરતાં વધારે ક્રૂ મેમ્બર્સને રાખવા માટે 2300 કમ્પાર્ટમેન્ટ્સ છે. તેમાં મહિલા અધિકારીઓ માટે અલગથી કેબિન બનાવાઇ છે. તે સિવાય તેમાં આઇસીયુથી માંડીને મેડિકલ સાથે જોડાયેલી તમામ સુવિધાઓ અને સેવા તેમજ પ્રયોગશાળા છે. જહાજનું વજન લગભગ 40 હજાર ટન છે, જે ભારતમાં બનેલા કોઇપણ અન્ય એરક્રાફ્ટ કરતાં ભારે અને વિશાળ છે.

આઇએનએસ વિક્રાંતની અસલી તાકત સામે આવે છે સમુદ્રમાં, જ્યાં તેની મહત્તમ ઝડપ 28 નૉટ્સ છે. એટલે કે લગભગ 51 કિલોમીટર પ્રતિકલાક. તેની સામાન્ય ઝડપ 18 નૉટ્સ છે એટલે કે 33 કિલોમીટર પ્રતિકલાક છે. આ યુદ્ધજહાજ એક વારમાં 75જજ નોટિકલ માઇલ એટલે કે 13,000 કિલોમીટર કરતાં વધારેનું અંતર કાપી શકે છે.

આ એરક્રાફ્ટ કેરિયરની વિમાનો લઇ જવાની ક્ષમતા અને તેમાં લાગેલા હથિયારો તેને દુનિયાના ખતરનાક યુદ્ધજહાજોમાં સામેલ કરે છે. નેવીના અનુસાર, આ યુદ્ધજહાજ એકવારમાં 30 એરક્રાફ્ટ લઇ જઇ શકે છે. તેમાં મિગ-29કે ફાઇટર જેટ્સની સાથે કામોવ-31 અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર્સ, એમએચ-60 આર સીહોક મલ્ટિરોલ હેલિકોપ્ટર્સ અને એચએએલ દ્વારા નિર્મિત એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર પણ સામેલ છે. નેવી માટે ભારતમાં નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ – એલસીએ તેજસ પણ આ કેરિયર પરથી સરળતાથી ઉડાન ભરી શકે છે.