રાજકોટ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપીને રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સ્પષ્ટતા કરીને કહ્યું મારી ભાવના સર્વ ધર્મ સમભાવની હતી. ભાજપે આ ક્લીપ વાયરલ કરી છે.
રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું હતું કે, મેં પૂછ્યું હતું કે અલ્લાહ હું અકબર બોલાવું તો તમે મહાદેવ હર બોલશો. સામે બેઠેલી ૫ હજાર જનતાએ મહાદેવ હરનો નાદ બોલાવ્યો હતો. હું હિન્દૂ-મુસ્લિમ એક્તા ઇચ્છુ છું. પરંતુ ભાજપ દ્વારા આ કલીપ વાયરલ કરવામાં આવી રહી છે. આખી સ્પીચ સાંભળજો મારો કહેવાનો અર્થ શું છે તે ખબર પડી જશે.
ઈન્દ્રનીલ રાજગુરૂએ એવું પણ કહ્યું હતું કે, લોહી કાઢો ત્યારે બધું એક જ હોય છે, એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે.
નોંધનીય છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં આપેલા ભાષણના કારણે મોટા વિવાદની શક્યતા છે. શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો કે સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો આ સભામાં ઈન્દ્રનિલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.
ચૂંટણી આવે છે તો કોંગ્રેસના નેતા મંદિર જાય છે, જનોઈ દેખાય છે પણ આ વિચાર એમનો નથી. એમની જીતી છે અંગ્રેજોની માનસિક્તા. ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવે છે. પણ લોકોએ મન બનાવી લીધું છે કે ભાજપને જીતાડવાનો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે આ વિશે જણાવ્યું હતું કે, આ હિન્દુ સમાજ માટે સૌથી આઘાતજનક વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિન્દુ સમાજ નહી આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.