સિયાનુજેર,
ઇન્ડોનેશિયામાં ફરી ભૂકંપના આંચકાથી ગભરાટ ફેલાયો છે. સોમવારે અહીં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૬ માપવામાં આવી હતી. આ તીવ્ર આંચકાઓ ઘણી સેકંડ સુધી અનુભવાયા હતા. જાણકારી અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનુજેરમાં જમીનથી લગભગ ૧૦ કિલોમીટર દૂર હતું. હવામાન અને જિયોફિઝિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે તાત્કાલિક સુનામીનો કોઈ ખતરો નથી. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે તેમાં અત્યાર સુધી લગભગ ૨૦ લોકોના મોત થયા છે. એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સિવાય ૩૦૦થી વધુ લોકો ઘાયલ છે જેમની સારવાર ચાલી રહી છે.
રાજધાની જકાર્તામાં ભૂકંપ આવ્યો ત્યારે ઘણા લોકો તેમની ઓફિસોમાં બેઠા હતા અને કામ કરી રહ્યા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઘણી ઇમારતો ધ્રુજવા લાગી હતી. જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે ઇમારતોમાં રાખવામાં આવેલું ફર્નીચર પણ તેની જગ્યાએથી ધ્રૂજવા લાગ્યું હતું.
આ પહેલા પશ્ચિમી ઇન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઇ જાનમાલના નુક્સાનના સમાચાર નથી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૬.૯ હતી, જ્યારે તેનું કેન્દ્ર ૨૫ કિમીની ઊંડાઈએ દક્ષિણ બેંગકુલુથી ૨૦૨ કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ પછી ૫.૪ની તીવ્રતાનો વધુ એક આંચકો આવ્યો હતો, એમ યુએસજીએસએ જણાવ્યું હતું. ઇન્ડોનેશિયાની હવામાન વિજ્ઞાન, ક્લાઇમેટોલોજી અને જિયોફિઝિક્સ એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી નથી. યુએસજીએસએ જણાવ્યું હતું કે, જાનમાલના ગંભીર નુક્સાનની સંભાવના ઓછી છે. આ પહેલા રવિવારે રાત્રે ગ્રીસના તટીય વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.