ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ અચાનક ગૂમ થઇ ગયેલું પ્લેન ક્રેશ થઇ ગયાના સમાચાર મળી રહ્યા છે. શ્રીવિજયા એયરલાઇન્સનું આ વિમાન સમુદ્રમાં ક્રેશ થયું છે. ફ્લાઇટ નંબર એસજે 182ની અંદર ક્રુ મેમ્બર સહિત કુલ 62 યાત્રીઓ સવાર હતા. આ તમામ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે.
આ વિમાન જકાર્તા એરપોર્ટથી 20 કિમીના અંતરે સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઇન્ડોનેશિયાના પરિવહન મંત્રી બુદી કારયાએ આ વાતની જાણકારી આપી છે. ઇન્ડોનેશિયાના અધિકારીઓને સમુદ્રમાં કાટમાળની ભઆળ મળ્યા બાદ વિમાન ક્રેશ થયાની ઘોષણા કરવામાં આવી છે. આ વિમાન ઇન્ડોનેશિયાના લાકી ટાપુ પાસે ક્રેશ થયું છે. ઇન્ડોનેશિયાની નૌસેનાના જહાજો ઘટનાસ્થળ પર જવા માટે રવાના થઇ ગયા છે અને સાથે જ રેસ્ક્યુ ટીમો પણ નિકળી ગઇ છે.
ઇન્ડોનેશિયાના સોશિયલ મીડિયા પર તો કલાક પહેલા જ આ વિમાનના કાટમાળની તસવીરો વાયરલ થઇ છે. જો કે ત્યારે આ વિમાન ક્રેશ થયાની આધિકારિક પુષ્ટિ થઇ નહોતી. ઇન્ડોનેશિયાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જકાર્તાથી ઉડાન ભર્યા બાદ આ વિમાનનો કંટ્રોલ રુમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાન ઇન્ડોનેશિયાના પશ્ચિમી વિસ્તારમાં આવલા કાલીમંતાન જવા રવના થયું હતું. આ વિમાન બોઇંગ કંપનીની 737-500 શ્રેણીનું છે અને 27 વર્ષ જૂનું પણ છે.