ઈન્ડોનેશિયામાં ભૂસ્ખલનને કારણે ૧૪ લોકોના મોત, ઘણા લાપતા

તાના તોરાજા, ઈન્ડોનેશિયામાં ભારે ભૂસ્ખલનમાં ૧૪ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂસ્ખલન સુલાવેસી ટાપુ પર થયું છે. આ ઘટના પાછળનું કારણ ભારે વરસાદ હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુલાવેસી ટાપુ પર મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો પણ ગુમ હોવાનું કહેવાય છે. અધિકારીઓએ રવિવારે આ ભૂસ્ખલન મામલાની માહિતી આપી હતી.

સ્થાનિક પોલીસ અધિકારી ગુનાર્ડી મુંડુએ જણાવ્યું હતું કે, રાત્રે દક્ષિણ સુલાવેસી પ્રાંતના તાના તોરાજા જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો હતો. આ વરસાદ બાદ આસપાસના પહાડો પરથી ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનથી પ્રભાવિત ઘરોમાંથી એકમાં પારિવારિક કાર્ય ચાલી રહ્યું હતું. મુંડુએ કહ્યું કે ડઝનેક સૈનિકો, પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોને દૂરના પર્વતીય ગામોમાં લોકોને બચાવવા માટે સર્ચ ઓપરેશનમાં તૈનાત કરવામાં આવ્યા છે. રવિવારે વહેલી સવારે, બચાવ કાર્યકરોએ આઠ વર્ષની બાળકી સહિત બે ઘાયલ લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

પોલીસ અધિકારી ગુનાર્ડી મુંડુએ જણાવ્યું કે તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે રવિવારની બપોર સુધીમાં બચાવકર્મીઓએ મકલે ગામમાં ઓછામાં ઓછા ૧૧ અને દક્ષિણ મકલેમાં ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને ત્રણ વર્ષની બાળકી સહિત અન્ય ત્રણની શોધ હજુ પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે તાના તોરાજામાં ઘણા લોકપ્રિય પર્યટન સ્થળો છે.