ઇન્દિરા ગાંધીએ કમલનાથને કહ્યાં હતા ત્રીજો પુત્ર, કોંગ્રેસ માટે હંમેશા સંકટમોચક બન્યા

કમલનાથ એક એવું નામ જેને મધ્ય પ્રદેશ જ નહીં દેશમાં કોંગ્રેસનો પર્યાય માનવામાં આવે છે. ગાંધી પરિવારના સૌથી નજીક અને વફાદાર નેતા ગાંધી પરિવારની ત્રણ પેઢી (ઇન્દિરા,રાજીવ અને રાહુલ ગાંધી) સાથે સમન્વય સાધીને કામ કર્યું. હંમેશા ગાંધી પરિવાર અને કોંગ્રેસના સંકટમોચક રહ્યાં. પાર્ટીમાં એટલા તાકતવર હતા કે તે જે કહે તે અંતિમ આદેશ.

એમ તો કમલનાથનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો પરંતુ 44 વર્ષની રાજકીય સફરનું સાક્ષી મધ્ય પ્રદેશ રહ્યું. કમલનાથ અને સંજય ગાંધી દૂન સ્કૂલમાં એક સાથે ભણ્યા હતા. ત્યાથી બન્ને મિત્ર બન્યા. ઇમરજન્સી બાદ જ્યારે સંજય ગાંધીને જેલમાં મોકલવામાં આવ્યા તો કમલનાથ જજ સાથે ઝઘડી પડ્યા હતા, ત્યારે તેમણે પણ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અહીંથી બન્નેની મિત્રતા વધુ ગાઢ બની હતી.

વાણિજ્યમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે રાજકીય સફરની શરૂઆત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના માર્ગદર્શનમાં કરી હતી. ઇન્દિરા ગાંધી તેમણે રાજીવ અને સંજય ગાંધી સિવાય ત્રીજો પુત્ર માનતા હતા. કમલનાથે 1968માં યુવા કોંગ્રેસથી રાજકીય સફરની શરૂઆત કરી હતી.

ઇન્દિરા ગાંધીએ 1980માં છિંદવાડા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે તે પ્રચાર કરવા આવ્યા તો કમલનાથને પોતાનો ત્રીજો પુત્ર ગણાવતા મત માંગ્યા હતા. અહીંથી તે નવ વખત સાંસદ રહી ચુક્યા છે અને મધ્ય પ્રદેશમાં આ એકમાત્ર લોકસભા બેઠક એવી છે જે કોંગ્રેસના ખાતામાં છે. વર્તમાનમાં તેમના પુત્ર નકુલનાથ સાંસદ છે. માત્ર એક લોકસભા ચૂંટણીમાં કમલનાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 1996ની લોકસભા ચૂંટણી પહેલા કમલનાથ હવાલા કેસમાં ફસાયા હતા ત્યારે તેમણે છિંદવાડાથી પત્ની અલકાનાથને ચૂંટણી લડાવી હતી. તે જીતી પણ ગયા હતા. કમલનાથ જેવા જ આરોપમુક્ત થયા તો અલકાનાથે રાજીનામું આપ્યું હતું. વર્ષ 1997માં પેટા ચૂંટણી થઇ હતી ત્યારે ભાજપે સુંદરલાલ પટવાને ઉમેદવાર બનાવ્યા હતા અને તે ચૂંટણી જીતી ગયા હતા. તે વર્ષ 2000થી 2018 સુધી કોંગ્રેસના મહાસચિવ પણ રહ્યાં હતા.

પીવી નરસિંહ રાવથી લઇને મનમોહન સરકારમાં કેટલાક મંત્રાલયમાં મંત્રી પણ રહ્યાં. કેન્દ્રીય શહેરી વિકાસ, રોડ પરિવહન, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સંભાળ્યું. વન અને પર્યાવરણ મંત્રીના રૂપમાં પણ કમલનાથને વિશ્વ વ્યાપી ઓળખ મળી હતી.

વર્ષ 1991માં પૃથ્વી સમ્મેલન રિયો ડી જેનેરિયોમાં પ્રતિનિધિત્વ કરવા પર સંસદમાં કમલનાથને પ્રશસ્ત્રી પત્ર આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રમાં યુપીએ સરકાર ગયા બાદ વર્ષ 2018માં કમલનાથ પ્રથમ વખત મધ્ય પ્રદેશની રાજનીતિમાં આવ્યા અને મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનીને સરકાર બનાવવામાં સફળ પણ રહ્યાં હતા.

વર્ષ 2018માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી હતી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા. 15 મહિના બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થક મંત્રી, ધારાસભ્યોના સરકાર અને પાર્ટીથી અલગ થવાને કારણે માર્ચ 2020માં કમલનાથે સત્તા ગુમાવવી પડી હતી. 2023ની વિધાનસભા ચૂંટણીનું નેતૃત્વ પણ કમલનાથે કર્યું હતું પરંતુ કોંગ્રેસને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. તે બાદથી જ કમલનાથ અને રાહુલ ગાંધી વચ્ચે ટકરાવ ઉભો થયો હતો જેને કારણે કોંગ્રેસ છોડવા પર વિચાર કરવો પડ્યો હતો.