નવીદિલ્હી, સીબીઆઈએ ભારતીયોને રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં મોકલતા માનવ તસ્કરી નેટવર્કમાં કથિત રીતે સામેલ ચાર લોકોની ધરપકડ કરી છે. આમાં રશિયન સંરક્ષણ મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા અનુવાદકનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ કહ્યું કે આ કેસમાં કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.
સીબીઆઈએ મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસ એજન્સીએ કેરળના તિરુવનંતપુરમમાંથી બે ભરતી કરનારા અરુણ અને યેસુદાસ જુનિયર ઉર્ફે પ્રિયનની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બે આરોપીઓ નિજીલ જોબી બેન્સમ હતા, જેઓ રશિયન સંરક્ષણ મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ ટ્રાન્સલેટર હતા અને મુંબઈ. નિવાસી એન્થોની માઈકલ એલાન્ગોવનની ૨૪ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. બેન્સમ અને એલાન્ગોવન ન્યાયિક કસ્ટડીમાં છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે બેન્સમ રશિયન આર્મીમાં ભારતીય નાગરિકોની ભરતી કરવા માટે રશિયામાં કાર્યરત નેટવર્કના મુખ્ય સભ્યોમાંનો એક હતો. નિવેદન અનુસાર, એન્થોની માઈકલ દુબઈમાં તેના સહ-આરોપી ફૈઝલ બાબા અને રશિયા સ્થિત અન્ય લોકોને ચેન્નાઈમાં વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવામાં અને પીડિતો માટે રશિયા જવા માટે એર ટિકિટ બુક કરાવવામાં મદદ કરી રહ્યો હતો.
અરુણ અને યેસુદાસ જુનિયર કેરળ અને તમિલનાડુના ભારતીય નાગરિકોને રશિયન આર્મી માટે ભરતી કરનાર મુખ્ય વ્યક્તિ હતા. સીબીઆઈએ ટ્રાવેલ એજન્ટ્સની એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો જે ભારતીય યુવાનોને રશિયામાં સારી નોકરીઓનું લાલચ આપી રહી હતી પરંતુ બાદમાં તેમના પાસપોર્ટ જપ્ત કરીને તેમને રશિયા-યુક્રેન યુદ્ધ ઝોનમાં ધકેલતા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.તપાસ એજન્સીની એફઆઈઆરમાં દેશભરમાં ફેલાયેલી ૧૭ વિઝા કન્સલ્ટન્સી કંપનીઓ, તેમના માલિકો અને એજન્ટોના નામ લેવામાં આવ્યા છે. એજન્સીએ તેમની સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને માનવ તસ્કરી સંબંધિત આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
સીબીઆઈનો આરોપ છે કે આરોપીઓએ તેમના એજન્ટો દ્વારા ભારતીય નાગરિકોને રશિયન સેના, સુરક્ષા ગાર્ડ અને પેરામેડિક્સમાં નોકરી આપવાના બહાને રશિયામાં તસ્કરી કરી અને તેમની પાસેથી મોટી રકમની ઉચાપત કરી. એજન્ટોએ વિદ્યાર્થીઓને ફી માફી અને વિઝા એક્સટેન્શનની ઓફર કરીને સરકારી અથવા જાહેર યુનિવર્સિટી ઓને બદલે રશિયાની શંકાસ્પદ ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ અપાવવા માટે છેતર્યા હતા. બાદમાં વિદ્યાર્થીઓને સ્થાનિક એજન્ટોની દયા પર છોડી દેવામાં આવ્યા હતા. સીબીઆઈએ આવા ૩૫ કેસ શોધી કાઢ્યા છે જેમાં ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ, સ્થાનિક સંપર્કો અને એજન્ટો દ્વારા યુવાનોને ઉચ્ચ પગારવાળી નોકરીના ખોટા વચનો આપીને રશિયા લઈ જવામાં આવ્યા હતા.