ભારતને વર્લ્ડકપ વિજેતા બનાવવામાં ત્રણ ગુજરાતી ખેલાડીઓનો મહત્વપૂર્ણ ફાળો

ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતે બે વાર ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હોય તેવી ટીમની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.ભારત છેલ્લે ૨૦૦૭માં મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ટી-૨૦ વર્લ્ડકપ જીત્યું હતું. ત્યારબાદ બીજું ટાઈટલ મેળવવા માટે ભારતને લગભગ સોળ વર્ષ જેટલી રાહ જોવી પડી હતી. જોકે ફાઇનલ મુકાબલામાં ભારતને મળેલી આ જીત પાછળ ત્રણ ગુજરાતી ખેલાડીઓનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે.

ભારતીય ટીમની ઇનિંગની શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પાંચ ઑવરની રમત પૂરી થાય એ પહેલાં જ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ૠષભ પંત પેવેલિયન ભેગા થઈ ગયા હતા.એ બાદ ભારતે ઑલરાઉન્ડર અક્ષર પટેલને ઉતારીને મોટો દાવ રમ્યો હતો. અક્ષર પટેલે વિરાટ કોહલી સાથે મળીને ભારતીય ઇનિંગને સ્થિરતા આપી હતી અને સ્કોરબૉર્ડને ગતિશીલ રાખ્યું હતું.બંને વચ્ચે ૭૨ રનની ભાગીદારી થઈ હતી જેના કારણે ભારતની ટીમ સારો સ્કોર કરવામાં સફળ નીવડી હતી.અક્ષર પટેલે ૩૧ બૉલમાં ૪૭ રન બનાવ્યા હતા. તેમણે એવા સમયે આ શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે ભારતને સૌથી વધુ જરૂર હતી.એક તરફ ત્રણ વિકેટ પડી જવાથી છેડો સાચવીને રમી રહેલા વિરાટ કોહલી પર દબાણ વધી રહ્યું હતું ત્યારે જ અક્ષર પટેલે કેટલાક શાનદાર શોટ્સ રમીને આ દબાણ હળવું કર્યું હતું.

દરમિયાન દક્ષિણ આફ્રીકાની શરૂઆતમાં જ ઑપનર રેઝા હૅન્ડરિક્સને આઉટ કરીને ભારતને સફળતા અપાવનાર જસપ્રીત બુમરાહે અતિશય કરક્સરભરી બૉલિંગ કરીને ચાર ઑવરમાં માત્ર ૧૮ રન આપ્યા હતા. પરંતુ ઇનિંગની પંદરમી ઓવર જ્યારે ફેંકાઈ ત્યારે ભારતના હાથમાંથી મૅચ સરકી ગઈ હોય તેવું લાગતું હતું. એવામાં અઢારમી નિર્ણાયક ઓવરમાં બુમરાહે માર્કો યાનસેનની વિકેટ લઈને દક્ષિણ આફ્રિકા પર દબાણ વધાર્યું હતું. તેમણે અતિશય નિર્ણાયક ૧૮મી ઓવરમાં માત્ર બે જ રન આપ્યા હતા અને એક વિકેટ ખેરવી હતી. આમ, તેમણે ભારતના હાથમાંથી બાજી સરકી જતાં બચાવી હતી અને જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

આવી જ રીતે હાદક પંડ્યાને ફાઇનલ મુકાબલામાં બેટિંગ માટે માત્ર બે જ બૉલ મળ્યા હતા, જેમાં તેમણે પાંચ રન નોંધાવ્યા હતા. પરંતું બૉલિંગમાં તેમણે જબરદસ્ત પ્રદર્શન કરતાં ત્રણ ઓવરમાં ૨૦ રન આપીને ત્રણ મહત્ત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે પંદરમી ઑવરમાં અક્ષર પટેલની બૉલિંગમાં જ્યારે હૅનરિચ ક્લાસેને ૨૪ રન ફટકાર્યા ત્યારે દક્ષિણ આફ્રિકા આસાનીથી મૅચ જીતી જશે એવું લાગતું હતું. ભારતીય દર્શકોમાં નિરાશા સ્પષ્ટ જોઈ શકાતી હતી. પરંતુ રોહિત શર્માએ સત્તરમી ઑવર હાર્દિક પંડ્યાને આપી અને પહેલાં જ બૉલે તેમણે ૨૬ બૉલમાં ૫૨ રનની ઝંઝાવાતી ઇનિંગ રમી રહેલાં ક્લાસેનને આઉટ કર્યા હતા. આ વિકેટ ભારત માટે ટનગ પોઈન્ટ સાબિત થઈ હતી અને ત્યાંથી ભારતે મૅચમાં કમબેક કર્યું હતું. ત્યારબાદ વીસમી ઑવરમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૧૬ રન કરવાના હતા અને બૉલ ફરીથી હાદક પંડ્યાના હાથમાં હતો.

સ્ટ્રાઈક પર ડૅવિડ મિલર હતા જેઓ એકલે હાથે મૅચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ હાર્દિક પંડ્યાએ વીસમી ઓવરના પહેલા જ બૉલે તેમને આઉટ કરી ભારતની જીત નિશ્ર્ચિત કરી દીધી હતી. મિલરનો અશક્ય જણાતો કૅચ પકડીને સૂર્યકુમાર યાદવ પણ છવાઈ ગયા હતા.ત્યારબાદ હાદકે વધુ એક વિકેટ લીધી હતી અને દક્ષિણ આફ્રિકા અંતિમ ઑવરમાં માત્ર નવ રન જ કરી શક્યું હતું અને ભારત વિજેતા બન્યું હતું.