ભારત અને શ્રીલંકા વચ્ચે ટી ૨૦ અને વનડે શ્રેણીનું આયોજન થવાનું છે. આ શ્રેણી શ્રીલંકામાં રમાશે. આ માટે ભારતીય ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. પહેલા બંને ટીમો વચ્ચે ટી ૨૦ સિરીઝ રમાશે. જે બાદ વનડે શ્રેણીનું આયોજન કરવામાં આવશે. હાલમાં ટી૨૦ સિરીઝ માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓ શ્રીલંકા ગયા હતા.વનડે ટીમ હજુ સુધી ત્યાં પહોંચી નથી. તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે કુલ ત્રણ ટી ૨૦ મેચ રમાશે. વનડે શ્રેણીમાં પણ એટલી જ મેચો રમવાની છે. ભારતે તાજેતરમાં ટી ૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાની આ બીજી સિરીઝ હશે.
બીસીસીઆઇ દ્વારા શ્રીલંકા સામે પસંદ કરાયેલી ટી ૨૦ ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. વાસ્તવમાં ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઈનલમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટી ૨૦ ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રોહિત શર્માની નિવૃત્તિ બાદ બીસીસીઆઇ સામે સૌથી મોટો પ્રશ્ર્ન એ હતો કે આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન કોણ હશે. માનવામાં આવી રહ્યું હતું કે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રહેલા હાદકને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવશે, પરંતુ બીસીસીઆઈએ એક આશ્ર્ચર્યજનક નિર્ણય લીધો અને આ ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવને ભારતનો નવો કેપ્ટન બનાવ્યો.
ભારતીય ટીમ સોમવારે મુંબઈથી શ્રીલંકા માટે ઉડાન ભરી હતી. ટીમ ઈન્ડિયા લગભગ ૨ કલાક પછી શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચી. જે બાદ ભારતીય ટીમ બસ દ્વારા પલ્લેકેલે પહોંચી હતી. બંને ટીમો વચ્ચે ટી ૨૦ શ્રેણીની પ્રથમ મેચ અહીં રમાશે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયા નવા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પહોંચી છે. ભારતીય ટીમના કોચ તરીકે ગંભીરની પણ આ પ્રથમ શ્રેણી બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમને કોચિંગ આપવું તેના માટે પણ આસાન નહીં હોય.બીસીસીઆઇએ તેના સોશિયલ મીડિયા પર મુંબઈથી પલ્લેકલે પહોંચવાનો વીડિયો શેર કર્યો છે.
ભારત- શ્રીલંકા ટી ૨૦ શ્રેણીનો કાર્યક્રમ
પ્રથમ ટી ૨૦ મેચ – ૨૭ જુલાઈ (પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ)
બીજી ટી ૨૦ મેચ ૨૮ જુલાઈ (પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ)
ત્રીજી ટી ૨૦ મેચ – ૩૦ જુલાઇ (પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ)
ભારત –શ્રીલંકા વનડે શ્રેણીનો કાર્યક્રમ
૧લી વનડે – ૦૨ ઓગસ્ટ (ઇ. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો)
૨જી વનડે – ૦૪ ઓગસ્ટ (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો)
ત્રીજી વનડે – ૦૭ ઓગસ્ટ (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો)