કેનેડા દર વર્ષે ૫ લાખ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને બોલાવે છે. આ સ્ટુડન્ટ્સ કેનેડાને દર વર્ષે અબજો રૃપિયાની કમાણી કરી આપે છે. ત્યાંની કોલેજો અને યુનિવર્સીટીઓ આંતરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ પાસેથી ખુબ ઉંચી ફી વસુલે છે. ને બદલામા યુનિવર્સીટી કે સરકાર આ સ્ટુડન્ટ્સને કોઈ સવલતો આપતી ન હોવાની ફરિયાદની સંખ્યા વધતી જાય છે. તેવા આ આકરા સમયમાં કેનેડામાં આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સની મુશ્કેલીઓમાં વધારો થાય તેવો નવો કાયદો ૧ સપ્ટેમ્બરથી કેનેડાએ લાગુ કર્યો છે. આ કાયદા અનુસાર કેનેડા ભણવા આવતાં સ્ટુડન્ટ્સને અઠવાડિયે ફક્ત ૨૪ કલાક કામ કરવાની છૂટ આપવામાં આવી છે.
આથી લાખો ભારતીય સ્ટુડન્ટ્સની તકલીફમાં વધારો થશે. મોંઘવારી, મકાનોના મોંઘા ભાડાં અને કોલેજો/ યુનિવર્સીટીઓની ઉંચી ફીને પહોંચી વળવું ખૂબ મુશ્કેલ થશે. ભારતમાં રહેતાં એમના મા-બાપ પર વધુ બોજ વધશે એવી નવી મોટી ચિંતા ઉભી થઈ છે. આ પહેલાં કેનેડાએ સ્ટુડન્ટ્સને મળતી પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમીટની મુદત વધારવાની ના પાડી છે. સરકાર સંદેશો આપી રહી છે કે તમે અમારે ત્યાં શિક્ષણ માટે આવ્યા છો તો શિક્ષણ પૂરું થયા બાદ ફરી તમારા દેશ પાછા જાઓ.
કેનેડામાં હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો સામનો કરવાનો વારો આવ્યો છે. સમગ્ર કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશનિકાલની નીતિ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં વિધાનસભાની બહાર છાવણીઓ ગોઠવી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે કાયમી રહેઠાણના નોમિનેશનમાં ૨૫ ટકાના ઘટાડા માટે નવી પ્રાંતીય નીતિઓએ ઘણાને અણધારી રીતે દેશનિકાલ માટે જોખમમાં મૂક્યા છે.
ઓન્ટારિયો, મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયામાં સમાન દ્રશ્યો જોઈ શકાય છે. સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ કામદારોએ તાજેતરના મહિનાઓમાં સમગ્ર બ્રેમ્પટનમાં રેલીઓ યોજી છે. ૭૦,૦૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સ્નાતકો કેનેડા સરકારની નીતિના ફેરફારોને કારણે દેશનિકાલનો સામનો કરી શકે છે; જે વિદ્યાર્થીઓ નવા જીવનના સપના સાથે કેનેડામાં આવ્યા છે.
બીજી તરફથી એવી પણ માહિતી આવી રહી છે કે, કેનેડામાં અમુક સંસ્થાઓ આ સ્ટુડન્ટ્સને પીઆર અને સિટિઝનશિપ આપવાનો સખત વિરોધ કરે છે. એમનું કહેવું છે કે કેનેડા ગોરાઓનો દેશ છે. પરંતુ હવે મૂળ નિવાસી અલ્પસંખ્યામાં આવી ગયા છે. કેનેડા/ યુકે / ઓસ્ટ્રલિયા/ ન્યૂઝીલેન્ડ સરકારોએ એક સરખી પોલીસી અમલમાં મૂકી છે, એટલે ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓના પહાડ ઊભા થયાં છે.
એ સંજોગોમાં સરકાર પોતાના તરફથી આગળ આવી વિદેશમાં વસતા ભારતીયોની પરિસ્થિતિ વિશે સાચી સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. ખાસ કરીને સ્ટુડન્ટ અને વાલીઓની ચિંતા ઓછી કરવી જોઈએ. કેમ કે પાછલાં ૫ વરસમાં નવી આઈઆઈએમ કે આઈઆઈટી ખોલવામાં આવી નથી. દેશમાં કુલ ૧૧૯૪ યુનિવર્સિટી છે, ૩૦૬ યુનિવસટીઓ ૨૦૧૪ પછી બની. તેમાંથી ૧૩૫ યુનિવસટી સરકારી હોય તો ૫૫% ખાનગી યુનિવર્સિટીઓ છે ! દેશમાં કુલ ૪૯,૦૮૩ કોલેજો છે તેમાં ૩૮,૧૨૦ એટલે કે ૭૭% ખાનગી કોલેજો છે. કુલ ૧૪,૯૩૮ છે, તેમાંથી ૧૧,૬૮૫ એટલે કે ૭૮% ખાનગી છે !
ત્યારે ચિંતા એ છે કે, ભારતમાં શિક્ષણ ઓછા ખર્ચે મળતું થાય તો વિદ્યાર્થીઓ બાંગ્લાદેશ, યુક્રેન, કેનેડા વગેરે દેશોમાં જતાં ઓછા થાય એવી નીતિ બનતી નથી. સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે, દરરોજ, દરેક પળે, દરેક મિનિટે દેશ બદલાઈ રહ્યો છે. ભારતમાં દરરોજ ૨ કોલેજો ખૂલી રહી છે. દર અઠવાડિએ ૧ યુનિવર્સિટી ખૂલી રહી છે. દરરોજ ૩૭ નવા સ્ટાર્ટઅપ શરુ થઈ રહ્યા છે. દરેક સેકન્ડે નળથી જળ કનેક્શન અપાય છે. દરરોજ ૭૫,૦૦૦ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવે છે. આપણે ગરીબી હટાઓના સૂત્રો સાંભળ્યા હતા. કોઈએ વિચાર્યુ ન હતું કે ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર નિકળી જશે ! પણ અમારી સરકારે આ કરી બતાવ્યું.