ભારતીય સેનામાં સંજય કુમાર બારીયા વર્ષ 2001માં જોડાયા હતા અને હાલમાં દિલ્હીના મેરેઠ ખાતે નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા બારીયા સંજય કુમારને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા. ભારતીય સેનામાં સંજય બારીયા હાલ દિલ્હીના મેરેઠ ખાતે નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સૈનિકોને વિરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી. જેમાં પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના રહેવાસી અને હાલ ભારતીય સેનાની 21 મહાર રેજીમેન્ટમાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા એક ગુજરાતી જવાન સંજયકુમાર ભમરસિંહ બારીયાનો પણ સમાવેશ થાય છે. નાબય સુબેદાર સંજયકુમાર ભમરસિંહ બારીયાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે સેનાની ગુપ્ત માહિતીના આધારે તેઓની ટુકડી દ્વારા આતંકવાદીઓની ગતિવિધિ રોકવા 12/7/2023થી 23 જુલાઈ સુધી સતત 12 દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશનમાં આતંકવાદી સાથેની સીધી મુઠભેડમાં આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.

જેથી નાયબ સુબેદાર બારીયા સંજયકુમાર બારીયાના આ અદમ્ય સાહસ ભર્યા કાર્યને કારણે શુક્રવારના રોજ સાંજના સમયે દિલ્હી ખાતે સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતીય એર ફોર્સ, નેવી અને આર્મીના જનરલ તથા સી.ડી.એસ. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખોજલવાસા ગામના સંજય કુમાર ભમરસિંહ બારીયા આર્મીમાં વર્ષ 2001 માં જોડાયા હતા અને પ્રથમ પોસ્ટિંગ તેમનું જમ્મુ કાશ્મીર ના રજુરી ખાતે થયું હતું. ત્યાં ત્રણ વર્ષ તેમને પોતાની ફરજ બજાયા બાદ તેઓની હૈદરાબાદ બદલી થઈ હતી. ત્યાંથી પછી નગર અને હાલમાં દિલ્હીના મેરેઠ ખાતે ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. શુક્રવારના રોજ રાષ્ટ્રપતિના હસ્તે સંજય કુમાર બારીયાને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવતા પંચમહાલ તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.