ઈન્ડિયન ૨ને રિલીઝ પહેલા ૨૦૦ કરોડની આવક

વિક્રમની સફળતા બાદ કમલ હાસનનો ગ્રાફ ફરી ઉપર જઈ રહ્યો છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ સાથેની ફિલ્મ કલ્કિ ૨૮૯૮ એડીમાં કમલ હાસનનો મહત્ત્વનો રોલ છે. આ ઉપરાંત કમલ હાસને હિન્દુસ્તાની/ઈન્ડિયનની સીક્વલ માટે ડાયરેક્ટર શંકર સાથે હાથ મિલાવ્યા છે. ૧૯૯૬માં બ્લોકબસ્ટર સાબિત થયેલી આ ફિલ્મની સીક્વલને હાલ ઈન્ડિયન 2 તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે અને પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. રિલીઝ પહેલાં જ આ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ રૂ.૨૦૦ કરોડમાં વેચાયા છે. 

કમલ હાસન ઈન્ડિયન 2માં શંકરના ડાયરેક્શનથી ખૂબ ખુશ થયા છે. કમલ હાસને ફિલ્મના કેટલાક સીન્સ જોયા હતા અને ડાયરેક્શનથી ખુશ થઈ શંકરને રૂ.૮ લાખની ઘડિયાળ ભેટમાં આપી હતી. રિસેન્ટ રિપોર્ટ્સ મુજબ, ઓટીટી પ્લેટફોર્મને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નેટફ્લિક્સે આ ફિલ્મના રાઈટ્સ રૂ.૨૦૦ કરોડમાં ખરીદ્યા છે. ફિલ્મનો પહેલો ભાગ જ્યાં પૂરો થયો હતો ત્યાંથી જ ઈન્ડિયન 2ની શરૂઆત થશે. પહેલી ફિલ્મમાં કમલ હાસને ૬૫ વર્ષના સેનાપતિનો રોલ કર્યો હતો. 

સીક્વલમાં તે ૯૦ વર્ષના સેનાપતિનો રોલ કરશે. ફિલ્મના કેરેક્ટર માટે કમલ હાસનનો મેકઅપ પણ ખૂબ અઘરો છે. મેક અપ કરવા માટે ચાર કલાક સુધી તેમણે ખુરશીમાં બેસી રહેવું પડે છે. મેક અપ દૂર કરવામાં પણ બે કલાક જેટલો સમય લાગે છે. કમલ હાસન અને સમગ્ર ટીમ ફિલ્મને સફળ બનાવવા પ્રયાસ કરી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ તરફથી મળેલી આ ઓફરને જોતાં તેમની મહેનત રંગ લાવી હોય તેમ દેખાય છે.