ભારત-પાકિસ્તાનની ટિકીટ જોઇતી હોય તો ખેતર વેચવું પડશે , ૧ ટિકીટની કિંમત ૧૬ લાખ રૂપિયા

મુંબઇ, જૂનમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ ને લઇને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તૈયાર છે. આ વર્લ્ડકપ વેસ્ટઇન્ડીઝ અને અમેરિકાની મેજબાનીમાં ૨ જૂનથી ૨૯ જૂન સુધી રમાશે. આ દરમિયાન ૮ મુકાબલા ન્યૂયોર્કમાં રમાશે. જેમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો સામેલ છે.

તેને લઇને આઇસીસીએ ટિકીટ્સ જાહેર કરી દીધી છે, જેની કિંમત લાખોમાં છે. આઇસીસીના અનુસાર ડાયમંડ કેટેગરીની એક ટિકીટની કિંમત ૨૦ હજાર ડોલર (લગભગ ૧૬.૬૫ લાખ રૂપિયા) રાખવામાં આવે છે. આ જોઇને ઇન્ડીયન પ્રીમિયર લીગના જનક લલિત મોદી ભડકી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આઇસીસીને આયનો બતાવ્યો છે.

જોકે રાજકીય તણાવના લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૨ બાદ કોઇપણ દ્રિપક્ષીય સીરીઝ રમાઇ નથી. ત્યારબાદથી આ બંને ટીમો હંમેશા જ આઇસીસી ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં આમને-સામને ટકરાઇ છે. આ જ કારણે ભારત અને પાકિસ્તાનના મુકાબલાને લઇને ફેન્સ વચ્ચે ક્રેજ ખૂબ વધી ગયો છે. એવામાં આઇસીસી તેનો ફાયદો પણ ઉઠાવવા માંગે છે અને તેની ટિકીટની કિંમત લાખો રૂપિયામાં રાખવામાં આવી છે.આઇસીસીના અનુસાર ભારત અને પાકિસ્તાનના મુકાબલા માટે ટિકીટોની કિંમત ૩૦૦ ડોલર (લભગ ૨૫ હજાર) થી શરૂ થઇ છે.

મોદીએ એકસ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું કે ’આ જાણીને આંચકો લાગ્યો કે ભારત-પાકિસ્તાનની મેચ માટે ડાયમંડ ક્લબની ટિકીટ આઇસીસી ૨૦ હજાર ડોલરમાં વેચી રહ્યું છે. અમેરિકામાં આ વર્લ્ડકપ યોજાઇ રહ્યો છે. આ રમતને પ્રોત્સાહન આપવા અને ફેન્સને જોડવા માટે, ના કે નફો કમાવવા માટે. ૨૭૫૦ ડોલર (લગભગ ૨.૨૮ લાખ રૂપિયા) ની ટિકીટ વેચવી ક્રિકેટ નથી.

તમને જણાવી દઇએ કે આઇસીસીની વેબસાઇટ પર ૭૦ ટકા (૨૨ મે સુધી) ટિકીટ બુક થઇ ગઇ છે. જેની કિંમત દર્શાવવામાં આવી નથી. ઉપલબ્ધ ટિકીટ્સમાં ડાયમંડ કેટેગરીની કિંમત ૧૦ હજાર ડોલર (લગભગ ૮.૩૨ લાખ) રાખવામાં આવી છે. જ્યારે સૌથી સસ્તી કિંમત ૨૭૫૦ ડોલર (લગભગ ૨.૨૮ લાખ રૂપિયા) બતાવવામાં આવી છે.