ભારતીય મૂળનો ’ભાગેડું’ કેનેડાની ૨૫ મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ, ૫૦ હજાર ડોલરનું ઈનામ

ટોરેન્ટો, ૨૧ વર્ષીય પવનપ્રીત કૌરની હત્યા મામલે વોન્ટેડ ભારતીય મૂળનો ભાગેડું ધરમ સિંહ ધાલીવાલને કેનેડાની પોલીસે દેશની ૨૫ મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કર્યો છે. ધાલીવાલની ધરપકડ માટે કોઈ પણ માહિતી આપનાર વ્યક્તિને ૫૦ હજાર કેનેડિયન ડોલરનું ઈનામ મળશે. ધાલીવાલને ખતરનાક માનવામાં આવી રહ્યો છે.

કેનેડિયન પોલીસે જણાવ્યું કે, ધરમનું ગ્રેટર ટોરોન્ટો એરિયા, વિન્નિપેગ, વૈંકૂવર/લોઅર મેનલેન્ડ અને ભારતમાં કનેક્શન છે. પીલ રિજનલ પોલીસ ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે ધરમ ધાલીવાલને વોરંટ પર ઈચ્છે છે. ધરમ ધાલીવાલને શોધવા માટે બીઓએલઓ (બી ઓન ધ લુક આઉટ) પ્રોગ્રામનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામ દ્વારા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ગુનેગારો પર નજર રાખવામાં આવે છે. તે કેનેડાના મોસ્ટ વોન્ટેડ શંકાસ્પદોની તલાશમાં નાગરિકોને સામેલ કરવા માટે સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીનો સહારો લે છે.

૨૧ વર્ષીય પવનપ્રીત કૌરને ડિસેમ્બર ૨૦૨૨માં બ્રેમ્પટન, ગ્રેટર ટોરોન્ટો એરિયામાં પેટ્રો-કેનેડા ગેસ સ્ટેશન પર ગોળી મારી દીધી હતી. હત્યાના પહેલાના મહિનામાં ધાલીવાલ પર કૌર સામે ઘરેલું ગુનાઓનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ધાલીવાલે પોલીસથી બચવા માટે કૌરની હત્યા પહેલા આત્મહત્યાનું ષડયંત્ર પણ રચ્યુ હતું. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે ધરમ ધાલીવાલ સપ્ટેમ્બર ૨૦૨૨માં જાણીજોઈને ગુમ થઈ ગયો હતો પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે, તે પવનપ્રીત કૌરની હત્યાની યોજનાનો હિસ્સો હતો.

ગત વર્ષે એપ્રિલમાં પીઆરપીના હોમિસાઈડ બ્યુરોએ ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે ૩૧ વર્ષીય ધાલીવાલની ધરપકડ માટે વોરંટનું એલાન કર્યું હતું. પીલ રિજનલ પોલીસ પ્રમુખ નિશાન દુરઈઅપ્પાએ ધાલીવાલને પકડવા માટે જાહેર સહાયતાના મહત્વ પર ભાર મૂક્તા કહ્યું હતું કે, પવનપ્રીત કૌરની હત્યાએ તેમના પરિવારનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું અને આપણા સમુદાયને ઊંડી અસર કરી.

ધાલીવાલના પરિવારના બે સદસ્યો પ્રીતપાલ ધાલીવાલ અને અમરજીત ધાલીવાલની ૧૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ ન્યૂ બ્રંન્સવિકના મોક્ધટનમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તપાસર્ક્તાઓએ એ વાત પર ભાર મૂક્યો છે કે, ધરપકડથી બચવા માટે ધાલીવાલની મદદ કરનાર કોઈ પણ વ્યક્તિને સમાન આરોપોનો સામનો કરવો પડશે.