ભારતીય મૂળનાં ચારને બ્રિટનમાં ડ્રાઈવરની હત્યામાં આજીવન કેદ

લંડન, બ્રિટનમાં ડિલિવરી ડ્રાઈવરની હત્યાનાં મામલે કોર્ટે ભારતીય મૂળનાં ૪ લોકોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે સુનાવણી દરમિયાન હત્યામાં સામેલ લોકોને જેલભેગા કરવાનો આદેશ આપી દીધો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વેસ્ટ મસયા પોલીસને વેસ્ટ ઇંગ્લેન્ડનાં શ્રુસ્બરીમાં એક હુમલાની સૂચના મળી હતી. આમાં ઓરમેન નામનાં એક ચાલકનું મૃત્યુ થઈ ગયું હતું. જે અંગે ૪ લોકો સામે કડક પગલા ભરાઈ તેમની ધરપકડ કરાઈ હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ૪ દોષિતોએ કુલ્હાડી, હોકી સ્ટિક અને પાવડા વડે ડિલિવરી ડ્રાઈવરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ચારેય લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ તમામને ઓછામાં ઓછી ૨૮ વર્ષ સુધીની જેલની સજા મળી છે. આના સિવાય ઓરમેનની જાણકારી કાઢનાર અન્ય એક આરોપીને હત્યામાં સામેલ થવાનો દોષિત ઠેરવાયો છે. જેને ૧૦ વર્ષની સજા ફટકારાઈ છે.

વેસ્ટ મસયા પોલીસના ડિટેક્ટિવ ચીફ ઈન્સપેક્ટર માર્ક બેલામીએ કહ્યું કે પાંચ દોષિત ખતરનાક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. અત્યારે તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે ઓરમેનના મોતના સમાચાર તેના પરિવારને આપવામાં આવ્યા તો ઘરમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. તે સાવ તૂટી ગયા હતા. પોલીસે વધુમાં કહ્યું કે મારી સંવેદના એમના પરિવાર સાથે જ છે. આજે કોર્ટે જે સજા ફટકારી છે તે એવા લોકોને પાઠ ભણાવવાની છે જે વિચારે છે કે ગુનો કરીને બચી શકાય છે.