ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં મીટિંગ કરવાથી અટકાવવામાં આવી : તિસ્તા સેતલવાડ

  • કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મને સાંપ્રદાયિક સૌહાર્દ અને ન્યાય પર પ્રવચન આપવા માટે બોલાવીે હતી.

બેંગલુરુ, માનવાધિકાર કાર્યર્ક્તા તિસ્તા સેતલવાડે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે તેમને બેંગલુરુમાં પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં મીટિંગ યોજવાથી રોકવામાં આવી હતી. સેતલવાડે જણાવ્યું હતું કે સંસ્થામાં યોજાનારી તેમની બેઠક છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ ’કોમ્યુનલ હાર્મની એન્ડ જસ્ટિસ’ વિષય પર તેમના મંતવ્યો રજૂ કરવાના હતા.

સમાચાર અનુસાર, ’બ્રેક ધ સાયલન્સ’ નામની સંસ્થાએ બુધવારે સાંજે ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાં આ બેઠક બોલાવી હતી. સંસ્થાના સીસીઇ લેક્ચર હોલમાં આ મિટિંગ યોજાવાની હતી. તિસ્તા સેતલવાડનો આરોપ છે કે છેલ્લી ક્ષણે મીટિંગ રદ કરવામાં આવી હતી અને તેમને હોલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. સેતલવાડનો આરોપ છે કે તેમણે સંસ્થાની કેન્ટીનની બહારના બગીચામાં આ બેઠક યોજવી પડી હતી. તિસ્તા સેતલવાડે સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ દ્વારા આ વાત કહી હતી.

સેતલવાડના જણાવ્યા અનુસાર, ૪૦ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો તેમના પ્રવચનોમાં હાજર રહ્યા હતા. સેતલવાડે કહ્યું કે ’ગઈકાલે પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં મને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મને સીસીઇ હોલમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને ન્યાય પર પ્રવચન આપવા માટે બોલાવી હતી. જોકે, છેલ્લી ઘડીએ વહીવટીતંત્રે બેઠક રદ કરી હતી. તેમ છતાં ૪૦ થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો કેન્ટીનની બહાર બગીચામાં બેસીને ન્યાય, શાંતિ, સાંપ્રદાયિક સૌહાર્દ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સેતલવાડે કહ્યું કે ૨૧મી સદીમાં સાંપ્રદાયિક સૌહાર્દ કોઈ અજાણ્યો શબ્દ ન હોવો જોઈએ.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એડમિનિસ્ટ્રેશને હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઈએ કે તિસ્તા સેતલવાડને ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન નિર્દોષ લોકોને ફસાવવા માટે નકલી દસ્તાવેજો તૈયાર કરવાના કેસમાં ગયા મહિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.