
ભારતીય ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ બોર્ડ આઇસીસીને ભારતની મેચ પાકિસ્તાનને બદલે દુબઈ અથવા શ્રીલંકા યોજવા કહેશે. ભારત ગયા વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ સિરીઝમાં રમવા પણ ગયું ન હતું. ત્યારે ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ આવતા વર્ષે ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી રમાશે, જેમાં ૧૦ માર્ચ ફાઈનલ માટે રિઝર્વ-ડે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટની ૧૫ મેચનો ડ્રાટ આઇસીસીને મોકલી દીધો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ૮ ટીમના બોર્ડની સંમતિ લીધા પછી જ આઇસીસી આ શેડ્યૂલને મંજૂરી આપશે.
લાહોરમાં ૧ માર્ચે પાકિસ્તાન તેના સૌથી મોટા હરીફ ભારતનો સામનો કરી શકે છે. જોકે,બીસીસીઆઇએ હજુ સુધી આ મેચ માટે પોતાની સંમતિ આપી નથી. ૧૯૯૬ પછી પહેલીવાર પાકિસ્તાન કોઈ મોટી આઇસીસી ટુર્નામેન્ટનું આયોજન કરશે. જોકે,પીસીબીએ ૨૦૦૮માં સમગ્ર એશિયા કપનું આયોજન કર્યું હતું અને ગયા વર્ષે પણ એશિયા કપની કેટલીક મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી.