બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાના પલાયન બાદ કૂટનીતિક મોરચે ભારતની ચિંતાઓ અને પડકારો વધતા દેખાઈ રહ્યા છે. મોદી સરકારે શેખ હસીનાને આશરો આપીને સારું કર્યું, પરંતુ તેના પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ ભડકી શકે છે. ત્યાં ભારત વિરોધી તત્ત્વો પહેલેથી જ સક્રિય હતા. શેખ હસીના એના પર લગામ લગાવી રહ્યાં હતાં, પરંતુ તેમના પલાયન બાદ હવે બાંગ્લાદેશ પરત ફરવાની સંભાવનાઓ શૂન્ય થવાની સાથે જ પશ્ર્ચિમે જે પ્રકારે તેમનાથી મોં ફેરવી લીધું, તેનાથી સ્પષ્ટ છે કે ભારતે બાંગ્લાદેશમાં પોતાનાં હિત સુરિક્ષત કરવાનું વધુ કઠિન થઈ શકે છે.
બ્રિટન શેખ હસીનાને આશરો આપવા તૈયાર નથી અને અમેરિકાએ તો હદ કરતાં તેમના વિઝા જ રદ્દ કરી દીધા અને ત્યાંની સેનાને એમ જાણવા છતાં પણ સલામ કહ્યા કે તે વચગાળાની સરકારમાં કટ્ટરપંથી તત્ત્વોની ભાગીદારી માટે પણ તૈયાર છે. હાલમાં એ કહેવું મુશ્કેલ છે કે બાંગ્લાદેશમાં સેનાના વર્ચસ્વવાળી વચગાળાની સરકારનું ભારત પ્રત્યે મિત્રવત વલણ હશે. આ સરકારમાં ઘોર ભારત વિરોધી કટ્ટરપંથી સંગઠન જમાતે ઇસ્લામીના સામેલ થવાની સાથે જ વિપક્ષી નેતા અને એ પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાની પણ ભાગીદારી હોઇ શકે છે, જેમની સાથે ભારતના સંબંધ ક્યારેય સહજ નથી રહ્યા. જો આ વચગાળાની સરકારમાં એ તત્ત્વોની ભાગીદારી વધી, જેઓ શેખ હસીનાને નવી દિલ્હીની કઠપૂતળી ગણાવતા હતા, તો ભારતના પડકારો ઓર વધી જશે.
બાંગ્લાદેશમાં ભારતના દૃષ્ટિકોણથી અસહમત પશ્ચિમી દેશો સાથે ચીનની પણ દખલ વધવાનો અંદેશો છે. ચીન પહેલેથી જ માલદીવ અને નેપાળમાં પોતાનો પ્રભાવ વધારી ચૂક્યું છે અને પાકિસ્તાન તો તેના ખોળામાં જ બેઠેલું છે. તે શ્રીલંકામાં પણ પોતાનો દબદબો વધારવાની તાકમાં છે. એક અન્ય પડોશી દેશ મ્યાંમારની અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યો છે અને ત્યાં પણ ચીનની દખલ સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતની સમસ્યા માત્ર એ નથી કે તે બાંગ્લાદેશમાં પોતાના હિતોની રક્ષા કરે, બલ્કે એ પણ છે કે ત્યાંના અલ્પસંખ્યકો અને વિશેષ રૂપે હિંદુઓને કેવી રીતે બચાવે?
અનામત વિરોધના બહાને શેખ હસીનાને સત્તામાંથી હટાવવાના આંદોલન દરમ્યાન હિંદુઓ પર છૂટક હુમલા તો થઈ જ રહ્યા હતા, પરંતુ તખ્તાપલટ બાદ તો તેમનું આવી બન્યું છે. બાંગ્લાદેશનો કદાચ જ કોઈ એવો વિસ્તાર હોય, જ્યાંથી હિંદુઓના ઘરો, દુકાનો અને મંદિરોને નિશાનો બનાવવાના સમાચારો ન આવી રહ્યા હોય. શેખ હસીનાના શાસનમાં બાંગ્લાદેશના જે હિંદુ ખુદને થોડા-ઘણા સુરિક્ષત અનુભવતા હતા, તેઓ હાલમાં અસહાય-નિરુપાય દેખાઈ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે સેના તેમની રક્ષા માટે એટલી તત્પર નથી દેખાઈ રહી, જેટલી તેણે દેખાવું જોઇએ. ભારતે બાંગ્લાદેશના હિંદુઓને બચાવવા માટે કંઇક કરવું પડશે, નહિ તો તેમના એવા જ ખરાબ હાલ થશે, જેવા અફઘાનિસ્તાનમાં થયા અને પાકિસ્તાનમાં થઈ રહ્યા છે.