ઇન્ડિયાની બેઠકમાં કપિલ સિબ્બલ પહોંચતાં કોંગ્રેસમાં નારાજગી

મુંબઈ, મુંબઈમાં વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનનો આજે બીજો દિવસ હતો જ્યારે આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલનો અચાનક પ્રવેશ થયો તો કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ ગયા. વાસ્તવમાં સિબ્બલ બેઠકમાં સત્તાવાર આમંત્રિત સભ્ય નથી, પરંતુ તેમની હાજરીથી અનેક કોંગ્રેસી નેતાઓને અસહજ કરી દીધા હતા. કેટલાક નેતાઓ ફોટો સેશનમાં તેમની હાજરીથી નાખુશ થયા હતા.

કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે ફોટો ખેંચાવતાં પહેલાં સિબ્બલના અચાનક આવવાની ફરિયાદ ઉદ્ધવ ઠાકરેથી કરી હતી. જોકે ફારુક અબદુલ્લા અને અખિલેશ યાદવે વેણુગોપાલને મનાવવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે તેમને કોઈનાથી વાંધો નથી. છેવટે કપિલ સિબ્બલને પણ ફોટો સેશનનો ભાગ બનાવવામાં આવ્યા હતા અને બેઠકમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સિબ્બલ સમાજવાદી પાર્ટીમાં મે, ૨૦૨૨માં કોંગ્રેસ છોડીને સામેલ થયા હતા. સિબ્બલની કોંગ્રેસના મોટા નેતાઓમાં ગણતરી થાય છે યુપીએ સરકારમાં સિબ્બલ કાયદા મંત્રીથી માંડીને માનવ સંસાધન વિકાસ મંત્રી રહી ચૂક્યા છે, પણ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ નેતૃત્વ તેમનાથી નારાજ છે, કેમ કે કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના જૂથ મનાતા જી ૨૩નો પણ સિબ્બલ હિસ્સો હતા. આ જૂથે એક પત્ર દ્વારા કોંગ્રેસ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા.

વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇક્ધ્લુઝિવ એલાયન્સના ઘટક પક્ષોની બે દિવસીય બેઠક ગુરુવારથી મુંબઈમાં શરૂ થઈ હતી.આ બેઠકમાં ૨૮ પક્ષોના ૬૩ પ્રતિનિધિઓ સામેલ થયા હતાં.