ઈન્ડિયા ડે પરેડમાં પંકજ ત્રિપાઠી, સોનાક્ષી સિન્હા સહિત દિગ્ગજ સ્ટાર્સ જોવા મળ્યાં

ન્યૂયોર્કમાં ૪૨ મી ઈન્ડિયા ડે પરેડ યોજાઈ હતી, જેમાં બોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન ‘સ્ત્રી ૨’ના કલાકારો પંકજ ત્રિપાઠી, સોનાક્ષી સિન્હા , ઝહીર ઈકબાલ પણ જોવા મળ્યાં હતાં.પરેડ મેડિસન એવન્યુમાંથી પસાર થઈ ત્યારે ત્યાંની ગલીઓ પણ ભારતીય રંગોમાં રંગાઈ ગઈ હતી. હજારો લોકો આ ઉજવણી માટે એકઠાં થયાં હતાં અને ડ્રમ સાથે ભારતીય ધ્વજ લહેરાવતી પરેડમાં ભાગ લીધો હતો.આ પરેડ દ્વારા, એનઆરઆઇ લોકોએ દેશમાં તેમના મૂળ સાથે તેમના ઊંડા જોડાણને દર્શાવ્યું હતું.

આ પરેડમાં બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા , પંકજ ત્રિપાઠી, ઝહીર ઈકબાલ અને સાંસદ મનોજ તિવારી જેવી હસ્તીઓ પણ હાજર રહી હતી. સ્વામી અવધેશાનંદ ગિરીએ ભારતની સંસ્કૃતિ અને મૂલ્યોને દર્શાવતી ઝાંખીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રામ મંદિરની ઝાંખી ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે જે સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. પરેડના કેન્દ્રમાં ૧૮ ફૂટ લાંબી, ૯ ફૂટ પહોળી અને ૮ ફૂટ ઊંચી લાકડાની હોડી હતી, જે ભારતમાં બનાવવામાં આવી હતી અને તેને ત્યાં પરેડ માટે એરલિફ્ટ કરવામાં આવી હતી. તેમાં અયોધ્યામાં બનેલા ભગવાન રામના ભવ્ય રામ મંદિરને દર્શાવવામાં આવ્યું હતું. આ સાથે ૨૨ જાન્યુઆરીએ આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અનાવરણ કરાયેલી રામ લાલાની પ્રતિમાને પણ બોટ પર બતાવવામાં આવી હતી.

આ પરેડ ચાર દાયકાઓથી યોજાઈ રહી છે, જેમાં ભારતીય – અમેરિકન સમુદાય જોડાય છે, સ્વામી અવધેશાનંદે ભાગ લેનારાઓના ઉત્સાહ અને ભારતની સંસ્કૃતિ અને મૂલ્યોને દર્શાવતી ઝાંખીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રામ મંદિરની ઝાંખી સમગ્ર વિશ્ર્વને એક પરિવાર તરીકે માનવા અને તમામ મનુષ્યોમાં ભગવાનને જોવાની ભારતની આસ્થાને પ્રતિબિંબિત કરે છે.

ઈવેન્ટના આયોજક, ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશને આ પરેડને ભારતની વિવિધતામાં એક્તાનું પ્રતિનિધિત્વ ગણાવ્યું હતું. આ પરેડ છેલ્લા ચાર દાયકાથી થઈ રહી છે, જે હવે પાંચમા દાયકામાં પ્રવેશી રહી છે.