સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવ : ખેડા – નડિયાદ: મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ નડિયાદના મહેમાન બનશે

  • સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આજે યોજાનાર એટ હોમ અને ’ખેડાનું ખમીર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મંત્રી સહભાગી થશે.
  • મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જીલ્લાને મળશે રૂ.118.54 કરોડના 218 વિકાસ પ્રકલ્પોની સોગાદ.
  • સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે છેલ્લા એક સપ્તાહમાં જીલ્લાના દસ તાલુકાના ગામડાઓમાં રૂ.806.54 લાખના 302 વિકાસકામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરાયું.

સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર તમામ કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.14.08.2024 ના રોજ નડિયાદના મહેમાન બનશે.

તા.14 ઓગસ્ટના રોજ સાંજના 4.00 કલાકે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરના યોગી ફાર્મ ખાતે યોજાનાર એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલ તેમજ મુખ્ય મંત્રી સહભાગી થશે.ત્યારબાદ સ્વતંત્ર દિવસની પૂર્વ સંઘ્યાએ ડાકોર રોડ પર આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ‘ખેડાનું ખમીર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

આ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખેડા જીલ્લાના પ્રાગૈતિહાસિક યુગથી લઈ સમકાલીન ખેડા જીલ્લાના વિકાસની વાતને આવરી લેવામાં આવી છે.

આ કાર્યક્રમમાં સ્થાનિક નડિયાદ કલા મંદિરના 40 સહિત 225થી વધુ નાટક નૃત્ય કલાકારો એક સાથે આ કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમમાં ખેડા જીલ્લાનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન, સાહિત્યિક વારસો, સાંસ્કૃતિક, ધાર્મિક ધરોહરને કલાના માધ્યમથી ઉજાગર કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જીલ્લાની વિશિષ્ટ પ્રતિભાઓનું શાલ અને બહુમાનપત્ર આપી સન્માન કરવામાં આવશે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ખેડા જીલ્લાના રૂ.118.54 કરોડના 218 વિકાસ કામોનું ઈ -લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.જેને પરિણામે જીલ્લાના વિકાસને વધુ વેગ મળશે.

આ અવસરે રાજ્યપાલ તેમજ મુખ્ય મંત્રીના હસ્તે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત ખમીરવંતુ ખેડાઅને ખંતીલું ખેડા જીલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન પણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે છેલ્લા એક સપ્તાહમાં જીલ્લાના દસ તાલુકાઓના ગામડાઓમાં 806.54 લાખના 302 જેટલા વિકાસકામોનું સાંસદ,ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વાતંત્ર્ય દિન તા.15 ઓગસ્ટના રોજ એસ.આર.પી મેદાનમાં રાષ્ટ્રની આન,બાન અને શાન એવા તિરંગાને લહેરાવશે.આ અવસરે પોલીસ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશભક્તિથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના કેશવ કથા કુંજ હોલ,યોગી ફાર્મ ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શન જાહેર જનતા માટે તા.15 અને 16 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 7 કલાક સુધી ખુલ્લું રહેશે.

આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, રાજપાલસિંહ જાદવ,ધારાસભ્યો, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.