વર્લ્ડકપના મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને શરમજનક રીતે હરાવ્યું.

  • વર્લ્ડકપના મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને શરમજનક રીતે હરાવ્યું 
  • હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી 
  • ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી 86 રન ફટકાર્યા 

વર્લ્ડકપના મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને શરમજનક રીતે હરાવ્યું છે. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાને સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી છે.  વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સતત આઠમો વિજય છે. પાકિસ્તાનની ટીમ પ્રથમ રમત રમીને માત્ર 191 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી, ભારતીય ટીમે 30.3 ઓવરમાં એટલે કે 117 બોલ બાકી રહેતા સાત વિકેટે લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ માત્ર 63 બોલમાં 86 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન હિટમેને 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. શ્રેયસ અય્યરે પણ અડધી સદી ફટકારી હતી. તે 53 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા બોલિંગમાં જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાને ભારતીય બોલરો સમક્ષ આત્મસમર્પણ કર્યું. બેટ્સમેનો માટે મદદરૂપ બનેલી આ પીચ પર ભારતીય બોલરોએ યોગ્ય લાઇન લેન્થ સાથે બોલિંગ કરી અને સમગ્ર પાકિસ્તાની ટીમને 191 રનમાં સમેટી દીધી. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા.  જ્યારે રિઝવાને 49 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય તમામ બેટ્સમેનો ‘તુ ચલ મેં આયા’ની તર્જ પર આઉટ થયા હતા. પાકિસ્તાને છેલ્લી આઠ વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી દીધી હતી.