યુક્રેનના બોમ્બમારામાં બચનારને સુરતના યુવકને ડમ્પરે કચડ્યો

મોત ક્યારે કોને આંબી જાય તેનું કશું કહી ન શકાય. યુક્રેનમાં ચાલતા રશિયાના બોમ્બમારા વચ્ચે બચી ગયેલો વિદ્યાર્થી ત્યાં એમબીબીએસ પૂરું કરીને સુરત પરત ફર્યો હતો, પણ સુરતના બેફામ ચાલતા ડમ્પરે તેને કચડી નાખ્યો હતો.

સુરતમાં વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પરચાલકે અડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બીજી તરફ પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી ગુનો નોંયો છે. જ્યારે વિદ્યાર્થીના ભાઈએ જણાવ્યું હતું કે અમારા પર આભ ફાટ્યું છે.

મળતી માહિતી મુજબ, મૂળ જૂનાગઢના વતની અને હાલ ક્તારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે. જશુભાઈને સંતાનમાં બે પુત્ર છે. જે પૈકી ૨૪ વર્ષીય વિવેક હાલ યુક્રેનથી સ્મ્મ્જીનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો.

વિવેક સવારે ટુ-વ્હીલર પર વેડ રોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે ટુ-વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી. જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે, મારો ભાઈ થોડા દિવસ પહેલાં જ યુક્રેનથી સ્મ્મ્જીનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો. અમારા પર તો આભ તૂટી પડ્યું છે. વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.