ઈમરાનનું ખરાબ શાસન દેશની આર્થિક કટોકટીનું કારણ: પાકિસ્તાનના વડાપ્રધાન

ઇસ્લામાબાદ,પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દેશના આર્થિક સંકટનું વાસ્તવિક કારણ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ખાન દ્વારા થયેલ ભ્રષ્ટાચાર અને ખરાબ શાસન હતું.

પીટીઆઈ ચીફની ટીકા કરતા પીએમ શરીફે કહ્યું કે તેમની પાર્ટી ત્યારે સત્તામાં આવી જ્યારે પાકિસ્તાન અનેક સંકટનો સામનો કરી રહ્યું હતું. ખાને પોતાના રાજકીય લાભ માટે સિસ્ટમનો નાશ કર્યો અને અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર શરતોનું ઉલ્લંઘન કર્યું. તેમણે કહ્યું કે પીટીઆઈ અધ્યક્ષે મુખ્ય સહયોગી અને મિત્ર દેશો સાથેના સંબંધોને અસ્થિર કર્યા છે.

વડા પ્રધાને કહ્યું કે દરેક વ્યક્તિ ઈમરાન ખાનને પ્રશ્ર્ન કરે છે કે તેઓ શા માટે સત્તામાં આવ્યા કારણ કે પીટીઆઈ સરકારે દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી હતી. ૯ મેની ઘટનાઓ પર ટિપ્પણી કરતા શાહબાઝે કહ્યું કે હુમલાઓ એક વર્ષથી વધુ સમયથી આયોજન અને પૂર્વયોજિત હતા. સેનામાં બળવાને ભડકાવવાનું કાવતરું હતું.

તેમણે કહ્યું કે ૯ મેની ઘટના શહીદોના પરિવારો માટે દર્દનાક હતી. આ ઘટનાઓને અંજામ આપવાનું આયોજન દોઢ વર્ષથી કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તેણે પીટીઆઈના અધ્યક્ષને દેશની સામે ખુલ્લા પાડ્યા.

શરીફ મોટરવે-૩ને જોડતા ફૈસલાબાદ સત્યાણા બાયપાસ સહિતની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યા બાદ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે લોકોને પીટીઆઈના રાજકીય ઢોંગીઓને હરાવીને આગામી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન તેમના જનાદેશ દ્વારા ૨૦૧૮ની સામાન્ય ચૂંટણીમાં થયેલી ગોટાળાનો બદલો લેવા હાકલ કરી હતી.

ઈમરાન ખાન અને તેના જૂથને ૨૦૧૮નીછેતરપિંડી ધમાલવાળી ચૂંટણી દરમિયાન સત્તામાં લાવવામાં આવ્યા હતા. હવે ફૈસલાબાદના લોકો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ઉમેદવારોને સમર્થન આપીને સામાન્ય ચૂંટણીમાં પીટીઆઇને હરાવી દેશે. તેમણે કહ્યું કે પીટીઆઈના કાર્યકાળ દરમિયાન પીએમએલ-એન સરકાર દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ પર કોઈ કામ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ પર કામ કરવાને બદલે પીટીઆઈ વિપક્ષો પર પાયાવિહોણા આરોપો લગાવવામાં વ્યસ્ત છે. પીએમએ દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરીને ઈમરાન ખાનને પાકિસ્તાનના પીએમ બનાવવામાં આવ્યા હતા.