ઈમરાન ખાનને 14 વર્ષની જેલ:પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની સજા, અલકાદિર ટ્રસ્ટ કેસમાં કોર્ટનો નિર્ણય

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે અલકાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઈમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અલકાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન અને તેની પત્નીને આ સજા ફટકારી છે. આ કેસમાં, ઈમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે.કોર્ટે ઈમરાન અને તેની પત્નીને 190 મિલિયન પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે. રાવલપિંડીની અદિયાલા જેલ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની આ જેલમાં બંધ છે.

આ કેસમાં પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024માં જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આજે ચુકાદો જાહેર થાય તે પહેલાં, તેને ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ચુકાદા પછી તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવામાં આવી હતી.

50 અબજનું સ્કેમ છે અલકાદિર ટ્રસ્ટ કેસ

  • પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કેસમાં 4 મહત્ત્વપૂર્ણ પાત્રો છે. ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબી, અબજપતિ જમીન માફિયા મલિક રિયાઝ અને બુશરાની મિત્ર ફરાહ ગોગી.
  • પાકિસ્તાન સરકારનો આરોપ છે કે જ્યારે ખાન વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે મલિક રિયાઝને મની લોન્ડરિંગ કેસમાં ફસાવ્યા હતા. બ્રિટનમાં રિયાઝની અબજો રૂપિયાની સંપત્તિ જપ્ત કરાવી દીધી હતી. તેના એક સાથીની પણ લંડનમાં ધરપકડ કરાવડાવી દીધી હતી, જેની પાસેથી 40 અબજ પાકિસ્તાની રૂપિયા મળી આવ્યા હતા.
  • આ કેસ પછી બે સોદા થયા હોવાનો આરોપ છે. આ અંતર્ગત બ્રિટિશ સરકારે રિયાઝના સાગરીત પાસેથી વસૂલવામાં આવેલા પૈસા પાકિસ્તાન સરકારને પરત કર્યા હતા.
  • PDMનો આરોપ છે કે ઈમરાને આ પૈસા વિશે કેબિનેટને જાણ કરી ન હતી. તેના બદલે, તેમણે અલ કાદિર નામનું ટ્રસ્ટ બનાવ્યું અને ધાર્મિક શિક્ષણ આપવા માટે એક યુનિવર્સિટી શરૂ કરી. તેના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં 3 સભ્યો હતા. ઈમરાન ખાન, બુશરા બીબી અને ફરાહ ગોગી.
  • આ કેસની FIRમાં કહેવામાં આવ્યું છે કે મલિક રિયાઝે આ માટે અબજો રૂપિયાની જમીન આપી હતી. બુશરા બીબીને હીરાની વીંટી પણ ભેટમાં આપી. બદલામાં, રિયાઝ સામેના બધા કેસ બંધ કરવામાં આવ્યા હતા.
  • ઈમરાનની ધરપકડના 2 કલાક પછી પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું- આ પાકિસ્તાનના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે. સરકારી તિજોરીને ઓછામાં ઓછા 50 અબજ રૂપિયાનું નુકસાન થયું. આમ છતાં, ઈમરાન કે બુશરા 13 મહિનામાં એક પણ વાર પૂછપરછ માટે આવ્યાં ન હતાં. 3 વર્ષમાં આ યુનિવર્સિટીમાં ફક્ત 32 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
  • જિયો ન્યૂઝ અનુસાર, સમગ્ર મામલાને ધ્યાનમાં લેતા ઈમરાન ખાન અને તેમની પત્ની વિરુદ્ધ 1,955 કરોડ રૂપિયાની લાંચ લેવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

પત્નીના ઓડિયો લીકના કારણે ફસાયા ઈમરાન ખાન

  • પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં મલિક રિયાઝ અને તેમની પુત્રી અંબરના એક ઓડિયો અંગે સમાચાર પ્રકાશિત થયા હતા. આ લીક થયેલો ઓડિયો 2 મિનિટ અને 17 સેકન્ડ લાંબો હતો. આમાં, રિયાઝ અને અંબર બુશરા સાથે લેનદેન અને કેટલીક ફાઇલ સેટલ કરવા વિશે વાત કરી રહ્યા હતા. આમાં, અંબર તેના પિતાને કહે છે કે ઈમરાનની પત્ની બુશરા બીબી 5 કેરેટની હીરાની વીંટી માંગી રહી છે. બદલામાં, તે ઈમરાન પાસેથી રિયાઝને કોન્ટ્રાક્ટ અપાવી દેશે અને તેની સામેનો કેસ પણ બંધ કરાવી દેશે.
  • લીક થયેલી ટેપમાં થયેલી વાતચીત મુજબ, અંબર તેના પિતાને કહે છે- મેં ફરાહ ગોગી સાથે વાત કરી લીધી છે. તે કહી રહી છે કે બુશરા બીબીને 3 કેરેટનો નહીં પણ 5 કેરેટનો હીરો જોઈએ છે. વીંટી તે જાતે બનાવી લેશે, પણ આપણે તેના પૈસા ચૂકવવા પડશે. બુશરા અને ફરાહે ખાન સાહેબ સાથે વાત કરી લીધી છે. તે તરત જ બધી કોન્ટ્રાક્ટ ફાઇલોને મંજૂરી આપી દેશે. આના પર મલિક રિયાઝ કહે છે- કોઈ વાંધો નહીં. 5 કેરેટનો હીરો મોકલી દઇશું.
  • એવું માનવામાં આવે છે કે કરારની આ સોદાબાજી અલકાદિર યુનિવર્સિટીની જમીન સંપાદન કર્યા પછી થઈ હતી.