ઇસ્લામાબાદ,
બ્રિટિશ-પાકિસ્તાની પત્રકાર અને ઈમરાન ખાનની બીજી પત્ની રેહમ ખાને ફરીથી લગ્ન કર્યા છે. ટ્વિટર પર આની જાહેરાત કરતા રેહમે ’જસ્ટ મેરિડ’ ફોટો પોસ્ટ કર્યો હતો. બીજી પોસ્ટમાં, તેણીએ લખ્યું, આખરે મને એક એવો માણસ મળ્યો છે જેના પર હું વિશ્ર્વાસ કરી શકું છું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે પાકિસ્તાની પત્રકાર મિર્ઝા બિલાલ સાથે લગ્ન કર્યા છે.
રેહમે તેની સાથે પોતાની એક તસવીર પણ ટ્વીટ કરી છે. ઉલ્લેખનીય છે કે રેહમ ખાનના આ ત્રીજા લગ્ન છે. આ પહેલા તેણે ૨૦૧૪માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંનેએ એક વર્ષ પછી જ છૂટાછેડા લીધા હતા. આ પહેલા રેહમના પહેલા લગ્ન ૧૯૯૩માં એજાઝ રહેમાન સાથે થયા હતા. આ દંપતીએ ૨૦૦૫માં છૂટાછેડા લીધા હતા.