પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) હાલમાં તોશાખાના કેસમાં જેલમાં બંધ છે. પાકિસ્તાનમાં 2024માં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ઈમરાન ખાનની પાર્ટી PTI ચૂંટણી લડી શકશે કે તેમ તે અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા ઈમરાન ખાનની પાર્ટી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની પણ વાતો સામે આવી હતી. તેથી હવે આ સ્થિતિમાં ઈમરાન ખાન અને તેની પાર્ટી ચૂંટણી લડશે કે કેમ તેના પર પાકિસ્તાનના લોકોની નજર છે.
આ બધા વચ્ચે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે આ મુદ્દે નિવેદન આપ્યું છે. પાક પીએમએ ચૂંટણી અંગે કહ્યુ હતું કે, પાકિસ્તાન ઈલેકશન કમીશનમાં રજીસ્ટર્ડ તમામ રાજકીય પક્ષો આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. અનવર ઉલ હકે આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ભવિષ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.
PTI ના વડા ઈમરાન ખાન હાલ જેલમાં છે અને તેને પાર્ટી પર પ્રતિબંધ લાગવાનો ડર છે. કાર્યવાહક વડાપ્રધાને શુક્રવારે પેશાવરમાં મીડિયા સમક્ષ કહ્યુ હતું કે, પાકિસ્તાન સરકાર ચૂંટણી પંચમાં (ECP) નોંધાયેલ કોઈપણ રાજકીય પક્ષને ચૂંટણી લડવા માટે પ્રતિબંધ લગાવવાના પક્ષમાં નથી.
પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાનના આ નિવેદનથી એક વાત સ્પષ્ટ થઈ છે કે ઈમરાન ખાનની પાર્ટી PTI આગામી સામાન્ય ચૂંટણી લડી શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે, ઈમરાન ખાન ચૂંટણી લડી શકશે કે કેમ તે બાબતે સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. પાકિસ્તાનના કાયદા અનુસાર હાલમાં ઈમરાન ખાન ભ્રષ્ટાચારના કેસમાં દોષિત છે. તેથી જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા તેની સજા પર સ્ટે મૂકવામાં ન આવે ત્યાં સુધી તે ચૂંટણી લડી શકે નહીં.
વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે કહ્યું કે, પાકિસ્તાન ઈલેકશન કમીશનમાં નોંધાયેલા દરેક પક્ષ તેના ઉમેદવારનું નામાંકન દાખલ કરવા માટે હકદાર છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, પાકિસ્તાનમાં આવતા વર્ષે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ચૂંટણી યોજાશે.