ઇસ્લામાબાદ, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ એક ઠરાવ પસાર કરીને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટીને વધુ એક ઝટકો આપ્યો હતો. આ ઠરાવમાં ૯ મેની હિંસામાં સામેલ રાજકીય પક્ષ અને તેના નેતા સામે કડક સૈન્ય કાયદા હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
નેશનલ એસેમ્બલીના ઓફિશિયલ હેન્ડલ પરથી એક ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ વતી નીચલા ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ મુજબ, એક રાજકીય પક્ષ અને તેના ૯ મેના રોજ નેતાઓએ તમામ મર્યાદાઓ વટાવીને લશ્કરી સંસ્થાઓ પર હુમલો કર્યો, જેનાથી દેશની સંસ્થાઓ અને દેશને અપુરતી નુક્સાન થયું.
ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીનું નામ લીધા વિના, ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે આવા તમામ તત્વો સામે કાયદા અને બંધારણ મુજબ કાર્યવાહી થવી જોઈએ. ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ. અસામાજિક તત્વો અને ગુનેગારો સામેની કાર્યવાહી દરમિયાન માનવાધિકારનું કોઈ ઉલ્લંઘન થતું નથી તેવું પણ તેમાં જણાવાયું છે.
ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે સૈન્ય પાસે સૈન્ય પ્રતિષ્ઠા પરના હુમલાના જવાબમાં વિશ્ર્વભરમાં કાર્યવાહી કરવાનો અધિકાર છે અને તેમાં સામેલ તમામને પાકિસ્તાન આર્મી એક્ટ ૧૯૫૨ હેઠળ તેમની ક્રિયાઓ માટે સજા મળવી જોઈએ. તમને જણાવી દઈએ કે, જો ઈમરાન ખાનને આર્મી કાયદા અનુસાર સજા થાય છે તો આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે.
સંરક્ષણ પ્રધાન આસિફે ગૃહમાં કહ્યું હતું કે સૈન્ય પ્રતિષ્ઠાને નિશાનો બનાવવામાં આવ્યા હતા અને દેશની શાસન વ્યવસ્થા જોખમમાં મુકાઈ હતી. તેમણે કહ્યું કે ૯ મેના ગુનેગારો વિરુદ્ધ કોઈ નવો કાયદો બનાવવામાં આવી રહ્યો નથી. ૯ મેના રોજ ઈસ્લામાબાદમાં અર્ધલશ્કરી દળના રેન્જર દ્વારા ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશભરમાં હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા.